બોરીવલીમાં કૉંગ્રેસીઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ

ઉર્મિલા માતોંડકરને પોલીસ પ્રોટેકશન મળ્યું

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : સોમવારે બોરીવલી રેલવે સ્ટેશનની બહાર ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી અથડામણને પગલે અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી ઉર્મિલા માતોંડકરે પોલીસ પાસે રક્ષણની માગણી કરી હતી જે મંજૂર કરવામાં આવી હતી. ચૂંટણી પતે ત્યાં સુધી અભિનેત્રીને પોલીસ સંરક્ષણ મળશે. પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર મુંબઈ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતા બોરીવલીમાં સ્ટેશનની પાસે આજે કૉંગ્રેસનાં ઉમેદવાર ઉર્મિલા માતોંડકર પ્રચાર કરી રહ્યાં હતાં ત્યારે અથડામણ થઈ હતી.
આ બનાવને નજરે જોનારે જણાવ્યું હતું કે કૉંગ્રેસના કાર્યકરો સાથે અથડામણ કરનારાઓ `મોદી મોદી'ના નારા પોકારી રહ્યા હતા. આ બેઠક ઉપરથી ભાજપે વર્તમાન સાંસદ ગોપાળ શેટ્ટીને પુન: ટિકિટ આપી છે. માતોંડકરે પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપના કેટલાક કાર્યકરો અમારી રૅલીમાં ઘૂસી ગયા હતા. બાદમાં મેં મારી સલામતી માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. શાસક પક્ષના કાર્યકરોએ આચારસંહિતાનો ભંગ કર્યો છે. મેં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસનું રક્ષણ માગ્યું છે. જેઓ અમારી રૅલીમાં `ઘૂસ્યા' તેઓ સામાન્ય નાગરિકો નહોતા, પણ ભાજપના હતા. સામાન્ય નાગરિકો હિંસક રીતે વર્તી શકે નહીં. અમારી રૅલીમાં ઘૂસેલા લોકો અભદ્ર નૃત્ય કરતા હતા અને અપશબ્દો બોલતા હતા. તેઓ મારી સાથે ચાલતી મહિલાઓમાં ગભરાટ ફેલાવવા માગતા હતા. અમે આ મુદ્દે ચૂંટણી પંચના દ્વાર ખટખટાવવાનો વિચાર કરી રહ્યા છીએ એમ માતોંડકરે ઉમેર્યું હતું. 45 વર્ષીય ઉર્મિલા માતોંડકર કૉંગ્રેસમાં ગત મહિને જ સામેલ થયાં હતાં. માતોંડકરે જણાવ્યું હતું કે હું લાંબા ગાળા માટે રાજકારણમાં જોડાઈ છું.
દરમિયાન, ઉત્તર મુંબઈના ભાજપના ઉમેદવાર ગોપાળ શેટ્ટીને આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે જેઓ `મોદી, મોદી' એવા સૂત્રો પોકારતા હતા તે સામાન્ય નાગરિક હતા. તેઓ મોદી સમર્થક જ હશે. તેનાથી કૉંગ્રેસને ખરાબ લાગી શકે છે. મોદી સમર્થકોએ `મોદી, મોદી'ના સૂત્રો પોકાર્યા તો તેમાં ખોટું શું કર્યું? ઉર્મિલા માતોંડકર અને તેમના કાર્યકર રેલવે સ્ટેશનના પરિસરમાં શા માટે ગયા? ત્યાં જવાની તેઓને પરવાનગી કેવી રીતે મળી? એવો પ્રશ્ન ગોપાળ શેટ્ટીએ પૂછ્યો હતો.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer