પછાત જિલ્લાઓને મારી સરકારે સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે

અમારા પ્રતિનિધિ તરફથી
ચિખલી (મહારાષ્ટ્ર), તા. 15 : ચૂંટણીના પ્રચાર મેદાનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને કૉંગ્રેસ અને એનસીપી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે પૂર્વેના શાસનકાળ દરમિયાન પછાત વિસ્તારોની અવગણના કરવામાં આવી હતી.  જ્યારે કે મોજુદા સરકારે આકોલા અને બુલઢાણા જેવા વિસ્તારને ભરપૂર મદદ કરી છે. હાલ પછાત વિસ્તારોમાં ગરમીનો પારો 40ને પાર છે. આ પરિસ્થિતિમાં  પણ રાજનૈતિક પાર્ટીઓ દ્વારા ભરપૂર ચૂંટણીપ્રચાર કરવામાં આવી રહ્યો છે. પોતાની વાતને ભારથી મૂકતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે એકલા આકોલા જિલ્લામાં જ ખેડૂતોની  દેવાંમાફી, પાક વીમા અને સીધી મદદના માધ્યમથી 1227 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આથી અગાઉની સરકારે માત્ર 421 કરોડ રૂપિયા આપ્યા હતા તેમ જ બુલઢાણા જિલ્લામાં ખેડૂતોને અલગ અલગ યોજનાઓ થકી 2609 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જે અગાઉ માત્ર 255 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત બુલઢાણા જિલ્લામાં ભારતીય જૈન સંગઠનની મદદથી જલયુક્ત શિવારની ઘણી યોજનાઓ સાકાર કરવામાં આવી છે. સિંદખેડ રાજા માતૃ તીર્થ જગ્યાએ પણ ઘણા કામ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત કામગીરી દ્વારા ગરીબો માટે વિવિધ યોજનાઓના માધ્યમથી કામ થઈ રહ્યા છે. હાઉસિંગ ફોર ઓલ, આયુષ્યમાન ભારત, સિંચાઈ, આરોગ્ય સેવા જેવા અનેક વિષયો ઉપર કામ થયું છે. 
આકોલા લોકસભા વિસ્તારમાં શિવસેના ભાજપ વતી સંજયદ ધોત્રે તેમજ બુલઢાણા લોકસભા વિસ્તારમાં પ્રતાપરાવ જાધવ ચૂંટણી લડી રહ્યા છે.  આ બંને ઉમેદવારોના પ્રચાર અર્થે મુખ્ય પ્રધાને તેલ્હારા અને ચીખલીમાં પ્રચારસભા સંબોધી હતી. આ સભામાં રણજીત પાટીલ, ચૈન સુખ સંચેતી  તેમજ સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer