મેટ્રોનું કારશૅડ આરે કોલોનીમાં જ રહેશે

સામાજિક કાર્યકરોની અપિલ સુપ્રીમ કોર્ટે મિનિટોમાં જ રદ્ કરી
 
મુંબઈ, તા.15 : આરે કોલોનીમાં મુંબઈ મેટ્રો-3 માટે બસ ડેપોનું સ્થળ નક્કી કરતા પહેલા ટેકનીકલ કમિટીએ તમામ બાબતોનો અભ્યાસ કરેલો છે એવું જણાવીને સુપ્રીમ કોર્ટે જંગલની હદમાં મેટ્રો બસ ડેપો વિરુદ્ધ સામાજિક કાર્યકર અમૃતા ભટ્ટાચાર્યજીની અરજી રદ કરી હતી. અરજીમાં ભટ્ટાચાર્યજીએ ડેપો કે કાર શૅડ માટે વૈકલ્પિક જગ્યા તપાસવાની પણ માગણી કરી હતી, કોર્ટે જણાવ્યું હતું કે ટેકનીકલ કમિટીએ અન્ય વૈકલ્પિક જગ્યાઓએ પણ અભ્યાસ હાથ ધર્યો હતો. 
ભટ્ટાચાર્યજી અને અન્ય પર્યાવરણ પ્રેમીઓની આ અરજીમાં ચિંતા દર્શાવાઇ હતી કે ગોરેગાંવ સ્થિત આરે કોલોની જંગલની હદમાં છે અને 33 ઍકર જમીનમાં કાર શૅડ તૈયાર કરવા માટે હજારો વૃક્ષને જમીનદોસ્ત કરવા પડશે, તેથી પરા વિસ્તારની પર્યાવરણની સમતુલા ખોરવાશે. 
ગયા વર્ષે અૉક્ટોબરમાં બૉમ્બે હાઇ કોર્ટે આપેલા આદેશ સામે ભટ્ટાચાર્યજીએ સ્પેશ્યલ લીવ પિટિશન ફાઇલ કરીને આરે કોલોનીના બદલે અન્યત્ર આ કાર શૅડની જગ્યાનો અભ્યાસ કરવાની માગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયાધીશ દીપક ગુપ્તા તેમ જ સંજીવ ખન્નાની ખંડપીઠે મિનિટોમાં જ આ ઇન્ટરલોક્યુટરી ઍપ્લિકેશન રદ કરી હતી. જેમાં ખંડપીઠે બૉમ્બે હાઇ કોર્ટના ચુકાદો અને ટેકનીકલ કમિટીનો હવાલો આપ્યો હતો. અરજીકર્તા તરફથી સિનિયર વકીલ ગોપાલ શંકરનારાયણને જણાવ્યું હતું કે આરે કોલોનીમાં હજારો વૃક્ષોને ધરાશાયી કરીને મેટ્રો કાર શૅડ બાંધવાથી પરા વિસ્તારની પર્યાવરણની સમતુલા ખોરવાશે.
ખંડપીઠે ઝડપથી આ અરજીનો નિકાલ કર્યો હતો તેથી મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) તરફથી પૂર્વ અટોર્ની જનરલ મુકુલ રોહતગી અને મુંબઈ પાલિકા તરફથી વકીલ આશા નાયરને કોઇ દલિલો કરવાનો અવકાશ જ નહોતો મળ્યો. એમએમઆરસીએલ દ્વારા જણાવાયું હતું કે રાજ્ય સરકારે નિમેલી ટેકનીકલ કમિટીએ એના અહેવાલમાં જણાવ્યું હતું કે કાર શૅડ માટે ત્રણ સ્થળ અને આસપાસના વિસ્તારોનો વિવિધ માપદંડોથી અભ્યાસ કરવામાં આવ્યો હતો, આ ત્રણ સ્થળોમાં આરે કોલોની, કોલાબા સ્થિત બૅકબૅ રેક્લેમેશન અને કાંજુરમાર્ગમાં એક સ્થળ છે. અહેવાલમાં કમિટીના મોટા ભાગના સભ્યોએ નોંધ કરી હતી કે કાંજુરમાર્ગમાં ડેપો બની શકે એમ છે, પરંતુ એ સ્થળે આરે કોલોની કરતા ત્રીજા ભાગની જમીનમાં આ કાર શૅડ તૈયાર કરી શકાય એમ છે.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer