હીરાઉદ્યોગમાં વ્યવહારો ન અટકાવવા

આંગડિયા પેઢીઓ કામકાજ ચાલુ રાખશે
 
સુરત ડાયમંડ ઍસોસિયેશનની સમજાવટ કામ લાગી

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 15 : લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ છે. નિયતમર્યાદાથી વધુ રકમની રોકડની હેરફેર કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતાં શહેરભરની આંગડિયા પેઢીઓ ભીંસમાં આવી છે. સંબંધિત દસ્તાવેજો વગરની રોકડની હેરફેર કરનારાઓ પર ગત સપ્તાહે ચૂંટણી પંચની ટીમે કાર્યવાહી કરતાં શહેરભરની આંગડિયા પેઢીઓ કામકાજ અટકાવી દેતાં હીરાઉદ્યોગનો વેપાર અટકી પડવાની દહેશત ઊભી થઈ હતી. સુરત ડાયમંડ એસોસિયેશને હસ્તક્ષેપ કરી દરેક આંગડિયા પેઢીના સંચાલકો સાથે બેઠક યોજી કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવા સમજાવ્યા છે. આંગડિયાના સંચાલકોએ કામકાજ ચાલુ રાખવાની ખાતરી આપતા હીરા ઉદ્યોગકારોએ રાહતનો શ્વાસ લીધો છે.
સુરત ડાયંમડ એસોસિયેશન ખાતે મળેલી બેઠકમાં આંગડિયા પેઢીઓએ કામકાજ ચાલુ રાખવા સંમતિ દર્શાવી હતી. ગત સપ્તાહે શહેરની ત્રણ આંગડિયા પેઢી પર થયેલી તપાસ બાદ સપ્તાહના અંત સુધીમાં મોટા ભાગની આંગડિયા પેઢીઓએ હીરાનાં પડીકાં નહિ સ્વીકારતાં કામકાજ અટકી પડયું હતું. શહેરની વરાછા રોડસ્થિત આંગડિયા પેઢીમાં કારીગરોને વેકેશન આપી દેવાયું હતું. ઉઘડતા સપ્તાહે તાબડતોબ આ મામલે આજે સુરત ડાયમંડ એસોસિયેશન ખાતે બેઠકનું આયોજન કરાયું હતું. 
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતી  કહે છે કે આંગડિયા પેઢીઓ કામકાજ અટકાવી નાખે તો સમગ્ર હીરાઉદ્યોગમાં આર્થિક વ્યવહારોની ચેનલ અટકી પડે. ચૂંટણીનો માહોલ છે, પરંતુ એનો મતલબ એ નથી કે આર્થિક વ્યવહારો અટકાવી દેવામાં આવે. જો આંગડિયા પેઢીઓ કામકાજ અટકાવી નાખે તો નાના કારખાનેદારોને મુશ્કેલીનો વખત આવી જાય. આ માટે અમે તમામ આંગડિયાના સંચાલકો સાથે બેઠક કરી તેઓને સમજાવીને કામકાજ ચાલુ રાખવા સમજાવ્યા છે. તમામે આ મામલે સહમતી આપી છે. 
ચૂંટણી અધિકારીઓ દ્વારા આંગડિયા પેઢીના સ્ટાફ સાથે ખોટી રીતે કનડગત કરવામાં આવશે તો કલેક્ટર સહિતના સત્તાધીશો સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવશે. આ માટે સુરત ડાયમંડ એસોસિયેશન સહકાર આપશે.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer