આવતી કાલે મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ અવસરે મુલુંડમાં સામૂહિક રથયાત્રા

અમૃતા ફડણવીસ હાજરી આપશે 

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.15 : ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહોત્સવના અવસરે 17 એપ્રિલ બુધવારે જૈન સમાજ દ્વારા મુંબઈમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં મુલુંડમાં ઐતિહાસિક રથયાત્રા નીકળશે. શહેરના કુલ ચાલીસ જૈન સંઘો દ્વારા આયોજિત આ વિશેષ ભવ્ય રથયાત્રામાં જૈનોના ચારેય સમુદાયો સહભાગી થયા છે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ બન્યાં છે. 
જૈન સાધુ-સંતોની નિશ્રામાં ભવ્ય ભક્તિ સંગીત, દૈવિય સ્વરૂપે સજાવેલા રથ અને પરંપરાગત વેશભૂષામાં ધર્મધ્વજા લહેરાવતા હજારો જૈન યુવાઓ, રંગબેરંગી પરિધાનમાં હજારો મહિલાઓ અને ગગનચુંબી ઇંદ્રધ્વજા, રથયાત્રાના માર્ગમાં રંગોળીઓ પૂરવામાં આવશે. આવા તો અનેક આકર્ષણો આ રથયાત્રામાં વિચારાયા છે. સર્વોદય નગર જૈન મંદિરનાં અનેક સાધુ-સાધ્વીઓની આગેવાનીમાં સવારે 8.30 વાગ્યે આ રથયાત્રાનો પ્રારંભ થશે. 
શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી અને સ્થાનકવાસીઓના શિખર સંગઠન મુલુંડ જૈન મહાસંઘના ચૅરમૅન સુખરાજ નાહરે બુધવારે સવારે સાડા આઠ વાગ્યે શરૂ થનારી આ રથયાત્રામાં તમામ લોકોને સહભાગી થવાની અપીલ કરી છે. મુંબઈમાં આ સૌથી મોટી જૈન સમાજની રથયાત્રા છેલ્લાં આઠ વર્ષોથી યોજવામાં આવે છે અને દર વર્ષે તેમાં અવનવાં આકર્ષણો ઉમેરાતાં હોવાથી આ વખતે તેને વધુ ભવ્યતા મળશે.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer