ચોકીદારની જરૂર ઉદ્યોગપતિને છે, ખેડૂતોને નહીં : રાહુલ ગાંધી

રાજકોટ, તા.15: લોકસભાની ચૂંટણીમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ બેઠકના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની યોજાયેલી સભામાં વગર સમિયાણે બપોરના ધોમ ધખતા તાપમાં ખૂલ્લા ખેતરમાં હજારો ખેડૂતો સહિતના ચૂંટણીમાં કોંગ્રેસ શું કરવા ઇચ્છે છે તે સાંભળવા ઉત્સુકતા દર્શાવી હતી. રાહુલ ગાંધીએ વર્તમાન ભાજપ સરકારે પ્રજા સાથે કરેલા અન્યાય સામે 72 હજારની ન્યાય યોજના લાવવા જાહેરાત કરી બે કરોડને રોજગારીની ભાજપે કરેલી વાતો જેવી વાતો નહીં પરંતુ 22 લાખ સરકારી નોકરીની ખાલી જગ્યાઓ ભરવા અને પંચાયતમાં 10 લાખ રોજગારી આપવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવાનો વાયદો કર્યો હતો. 
મહુવાના આત્રાણા નજીક યોજાયેલી આ સભામાં 10 હજારથી વધુ લોકો ઉમટી પડયાં હતાં. વિજય વિશ્વાસ રેલી નામે યોજાયેલાં આ સંમેલનમાં શરૂઆતમાં રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોદી સરકારની 1 કરોડ યુવાનોને રોજગારીની વાત, દરેક ખાતામાં 15 લાખ જમા કરવાની વાત, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત બધું જ નર્યુ જુઠાણું સાબિત થયું છે. મોદીની વાત ભલે જુઠાણું સાબિત થઇ પરંતુ તેઓના આ વિચાર પ્રજા માટે સારા હતાં એવો કટાક્ષ પણ કર્યો હતો. 
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પાંચ માસ પૂર્વે કોંગ્રેસની થિંક રેન્ક સાથે બંધ બારણે ચર્ચા કરી શું ગરીબોના ખાતામાં આ મુજબ રૂપિયા જમા કરાવી શકાય? તે અંગે અભિપ્રાય લીધો હતો. જેમાં દેશના 20 ટકા ગરીબોને ગણીએ તો 25 કરોડ લોકો અને અંદાજે 5 કરોડ પરિવારને નાણાં આપવાથી દેશની અર્થ વ્યવસ્થાને કોઇ નુકસાન થાય તેમ ન હતું. આથી આ લોકોના ખાતામાં 72 હજાર અને પાંચ વર્ષના 3.60 લાખ જમા કરી શકાય તેમ હોય કોંગ્રેસ સત્તા પર આવશે તો આ વાયદો પાળી બતાવશે તેમ જણાવ્યું.
મોદી સરકારે નોટબંધી લાગુ કરી, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આ ગાળામાં જોવા મળી છે ત્યારે ભાજપના આ અન્યાય સામે 72 હજારની ન્યાય યોજના કોંગ્રેસ લાવશે તેમ જણાવ્યું હતું. 
આ ન્યાય યોજના દેશના અર્થતંત્રને ગતિ આપનારી નિવડશે. ઉપરાંત નાનો મોટો ધંધો-વેપાર કરવા ઇચ્છતા લોકોને 3 વર્ષ કોઇપણ જાતની સરકારી મંજૂરી જરૂરી નહીં રહે. કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કર્યા. ગુજરાતમાં પણ કરવામાં આવશે. પોતાની સરકારી આવશે તો અગાઉ મુજબ બે બજેટ રહેશે જેમાં એક કેન્દ્રીય બજેટ અને બીજું ખેડૂતોનું બજેટ. જેમાં ખેડૂતોના લાભ, સહાય, વળતરની જોગવાઇ હશે.
રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે  ચોકીદારનો વિચાર ઉદ્યોગપતિઓ માટે છે. ખેડૂતોને ચોકીદારની જરૂર હોતી નથી. કોંગ્રેસ સત્તા પર આવશે તો એકપણ ખેડૂત લોન પ્રશ્ને જેલમાં નહીં જાય. 
40-42 ડિગ્રીની ગરમીમાં ત્રણ બેઠકને સંલગ્ન લોકો કલાકો સુધી રાહુલ ગાંધીને સાંભળવા બેઠાં હતાં. બે વાગ્યાની બદલે 4-30 કલાકે આવેલાં રાહુલ ગાંધીને લોકોએ બપોરના 12-30 વાગ્યે આવી ગયાં હોવા છતાં ધીરજ રાખીને બેસી રાહ જોઇ સાંભળ્યા હતાં. 
આ તકે આશિષ ડેર, પરેશ ધાનાણી, વીરજીભાઇ ઠુમ્મર, અમિત ચાવડા, હાર્દિક પટેલ, પુંજાભાઇ વંશ, મનહર પટેલ, કનુભાઇ કળસરિયા, અર્જુન મોઢવાડિયા, પ્રતાપ દૂધાત, ગાયત્રીબા વાઘેલા, રાજીવ સાતવ સહિતના આગેવાનો 40 મિનિટના ભાષણમાં કોંગ્રેસ શું કરવા માંગે છે તેની જ વિસ્તૃત વિગતો આપી હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer