વિદેશમાં નોકરી અપાવવાનું વચન નહીં પાળનારી

ઈમિગ્રેશન એજન્સીને સંપૂર્ણ ફી પરત કરવાનો આદેશ
 
મુંબઈ, તા. 15 : મુકેશ પ્રભુલાલ ચૌહાણ નામના કૉમર્સ ગ્રેજ્યુએટને નોકરી માટે કૅનેડા જવું હતું. તેમણે ગ્લોબલ એજ્યુકેશન ઍન્ડ સર્વિસીસનો સંપર્ક કર્યો હતો. જેણે ચૌહાણ પાસેથી ચાર્જ પેટે 2.50 લાખ રૂપિયા વસૂલ્યા હતા અને તેમને વર્ક વિઝા મેળવી આપવાની ખાતરી આપી હતી અથવા જો વિઝા ન મળે તો `નો વિઝા નો ફી'ના ધોરણે રકમ પરત કરવાનું પણ કહ્યું હતું.
જોકે, ચૌહાણને આ ઈમિગ્રેશન એજન્સી વિઝા અપાવી શકી નહીં. આથી ચૌહાણે પૈસા રિફંડ માગ્યા હતા. ત્યારે એજન્સીએ તેમને સમજાવ્યા હતા કે તમે વધુ 1.5 લાખ રૂપિયા ભરો તો તમને માત્ર વિઝા નહીં, પરંતુ જોબ ઓફર લેટર પણ મેળવી આપીશું. આમ છતાં એજન્સી તેનું વચન પાળવામાં નિષ્ફળ ગઈ હતી. આથી ચૌહાણે કન્ઝયુમર ફરિયાદ નોંધાવી હતી. એજન્સીએ એવી દલીલ કરી હતી કે ચૌહાણને લેન્ડસ્કેપિંગ, હોર્ટિકલ્ચર, બગીચા અને લોન્સના મેન્ટેનન્સનો કોઈ અનુભવ ન હોવાથી તેમની વિઝાની પ્રથમ અરજી નકારી કઢાઈ હતી, જ્યારે બીજી અરજી વખતે ચૌહાણ અસ્ખલિત રીતે અંગ્રેજી બોલી શકતો નથી એટલે કૅનેડામાં કાયમી વસવાટ માટે તે પાત્ર નથી એવા કારણસર તેની અરજી નકારી કઢાઈ હતી.
જોકે, કન્ઝયુમર ફોરમે ચૌહાણની ફરિયાદ દાખલ કરી હતી અને એજન્સીને 9 ટકાના વ્યાજ સાથે 4 લાખ રૂપિયા રિફંડ આપવા ઉપરાંત વળતરપેટે 10,000 રૂપિયા અને કાનૂની ખર્ચ માટે 3000 રૂપિયા ચૌહાણને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ગ્લોબલ એજ્યુકેશન ઍન્ડ સર્વિસીસે આ આદેશને પડકાર્યો હતો, પરંતુ ગુજરાત સ્ટેટ કમિશને એજન્સીની અરજી કાઢી નાખી હતી. એની સામે એજન્સીએ રિવિઝન અરજી કરી હતી.
આમ છતાં નેશનલ કમિશને તેના રૂલિંગમાં જણાવ્યું હતું કે ચૌહાણને કોઈ અનુભવ નથી અને તે બીકૉમ ગ્રેજ્યુએટ છે એની એજન્સીને જાણ હતી. આથી એજન્સીએ ચૌહાણની યોગ્ય ક્ષેત્રમાં નોકરી શોધવી જોઈતી હતી. આ ઉપરાંત એજન્સીને એ વાતની માહિતી પણ હોવી જોઈતી હતી કે ચૌહાણ અંગ્રેજી અસ્ખલિત રીતે બોલી શકતો નથી. આથી સર્વિસ આપવામાં એજન્સી ઉણી ઉતરી છે.
જસ્ટિસ વી. કે. જૈને તેમના 10 એપ્રિલ, 2019ના આદેશમાં જણાવ્યું હતું કે સર્વિસ પૂરી પાડવામાં એજન્સી ઉણી ઉતરી છે અને એ ચુકાદાને બહાલ રાખતા નેશનલ કમિશનરે એજન્સીની રિવિઝન અરજી કાઢી નાખી હતી અને ચૌહાણની તરફેણમાં અપાયેલ આદેશને બહાલ રાખ્યો હતો.
સાર : વિદેશી માઈગ્રેશન અને રોજગાર સેવા પૂરી પાડતી એજન્સી ઉમેદવાર નોકરી માટે યોગ્ય નહોતો એવા બહાના હેઠળ પૈસા પોતાના ખિસ્સામાં નાખી શકે નહીં. એનાથી વિપરીત એજન્સીએ તો ઉમેદવારની લાયકાત અને કુશળતાના આધારે તેને જોબ મેળવી આપવો જોઈએ. અન્યથા તેણે ચાર્જ કરેલી રકમ રિફંડ આપવી જોઈએ, એમ વિખ્યાત કન્ઝયુમર એક્ટિવિસ્ટ જેહાંગીર બી. ઘાઈએ એક અહેવાલમાં જણાવ્યું છે.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer