મુંબઈના ટોચના બુકીનો દીકરો કચ્છમાં સટ્ટાકાંડમાં પકડાયો

મુંબઈના ટોચના બુકીનો દીકરો કચ્છમાં સટ્ટાકાંડમાં પકડાયો
મુંબઈ/ભુજ, તા. 15 : મુંબઈના ટોચના ક્રિકેટ બુકી જયંતી ફુરીઆ ઉર્ફે જયંતી મલાડના દીકરા મિતેનની કચ્છમાં ક્રિકેટનો સટ્ટો રમાડવા માટે ધરપકડ કરવામાં આવી છે. મિતેન જયંતીલાલ ફુરીઆ ઉપરાંત તેના અન્ય પાંચ સાગરીતની પણ કચ્છ પોલીસે ધરપકડ કરી છે. આ પાંચમાંથી ત્રણ મુંબઈના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી 92 હજારથી વધુ રોકડ રકમ તથા અન્ય સામગ્રી જપ્ત કરી છે.
મુંબઈમાં પોલીસની બુકીઓ પર ચાંપતી નજર હોવાથી મિતેન અને તેના સાગરીતો આઈપીએલની મૅચો પર સટ્ટો લેવા કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામ ગયા હતા. ત્યાં સટ્ટાની કોઈને ગંધ નહીં આવે એવી તેમની અપેક્ષા હતી. મિતેનની મુંબઈ પોલીસ અગાઉ આ જ કારણોસર ધરપકડ કરી ચૂકી છે.
બુકીઓના સ્થળ પર દરોડો પાડનાર કચ્છની મુંદ્રા પોલીસે કહ્યું હતું કે  મૂળ બિદડાના અને હાલે મુંબઇમાં મલાડમાં રાહેજા ટાઉનશિપમાં રહેતા મિતેન જયંતીલાલ ફ્yરિઆ, ઘાટકોપરના હરેશ બાબુભાઇ સોનગર, ભાઇંદરના  શીતલ મહેન્દ્રભાઇ શાહ, બિદડાના  રમેશ કપૂરચંદ મહેતા અને સુરતમાં ડુંગરીના વતની હિતેષ મંગુભાઇ ગામિતની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે જુગારધારા તળે ગુનો દાખલ કરાયો હતો.
પોલીસને ઘટનાસ્થળેથી ફોનની 15 લાઈનવાળું મશીન, 16 મોબાઈલ ફોન, બે લેપટોપ, બે મોટા એલઈડી ટીવી સેટ્સ, સેટટોપ બોક્સ, સટ્ટાની ડાયરી વગેરે સામગ્રી જપ્ત કરી હતી.
દાદરમાં સટ્ટાનો અડ્ડો પકડાયો
દાદરના બાબુરામ પરુલેકર માર્ગ પરની રહેવાસી ઈમારતમાં ચાલતા સટ્ટાના અડ્ડા પર પોલીસે છાપો મારી આઈપીએલ મૅચો પર લેવામાં આવતા સટ્ટા સંદર્ભમાં ઉત્તમ જૈન, સંજય લાપસિયા સહિત ત્રણ જણની ધરપકડ કરી છે. સટ્ટાબાજોના રૂમમાંથી 20 મોબાઈલ, લેપટોપ, એલઈડી ક્રીન સહિત અન્ય મુદ્દામાલ પણ પોલીસે હાથ કર્યા છે. દાદર પોલીસ  વધુ તપાસ ચલાવી રહી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer