ટીવી ચૅનલોના ભાવ વધતા ગ્રાહકો મોબાઈલ મનોરંજન તરફ વળ્યા

ટીવી ચૅનલોના ભાવ વધતા ગ્રાહકો મોબાઈલ મનોરંજન તરફ વળ્યા
મુંબઈ, તા.15 : ટેલિકૉમ્યુનિકેશન રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઇન્ડિયા (ટ્રાઇ)એ પહેલી ફેબ્રુઆરીથી ટીવી ચેનલો પસંદ કરવાની સ્વતંત્રતા ગ્રાહકોને આપી, પરંતુ ટીવી ચેનલોની કંપનીઓએ ભાવ વધાર્યા, કૅબલચાલકો અને ડાયરેક્ટ ટુ હૉમ સર્વિસ આપતી કંપનીઓ તેની સાથે સંમત નથી તેથી ગ્રાહકોને સરવાળે ટીવી જોવું મોંઘું પડી રહ્યું છે. ગ્રાહકો હવે ટીવી ચેનલો છોડીને મનોરંજન માટે મોબાઇલ ઓનલાઇન અૉવર ધ ટૉપ પ્લૅટફૉર્મ (ઓટીટી) તરફ વળ્યા છે તેથી આ વર્ષે ઓટીટીના ગ્રાહકોની સંખ્યા બે ગણી થઇ છે. 
નૅટફ્લિક્સ, ઍમેઝોન પ્રાઇમ વીડિયો, અલ્ટ બાલાજી, હૉટસ્ટાર, ઝી-5, વૂટ, હંગામા પ્લે, ટીવીએફ પ્લે, ઇરૉઝ નાઉ, સોની લીવ્સ જેવા ઓટીટી પ્લૅટફૉર્મના ગ્રાહકો કે દર્શકોની સંખ્યા વધતી ચાલી છે.
દરમિયાન ટીવી ચેનલોના નવા ટેરિફના અમલ બાદ 70 ટકા ટીવી દર્શકો નવી સિસ્ટમમાં જોડાયા છે અને 30 ટકા ટીવી દર્શકો ખુશ છે, એવા ટ્રાઇના દાવાને મોટું જૂઠાણું ગણાવીને એક્ટિવિસ્ટ રવિ નાયરે જણાવ્યું હતું કે હકીકત તો એ છે કે ટીવી ચેનલોના દર્શકોના આંકડા આપતી સંસ્થા બીએઆરસીએ છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી વ્યૂઅરશિપના આંકડા આપ્યા જ નથી છતાં ટ્રાઇ દ્વારા આવાં જૂઠાણાં ચલાવાઇ રહ્યાં છે. લોકો ટીવી ચેનલોથી દૂર જઇ રહ્યા છે અને ઓટીટી સહિતના મનોરંજનનાં નવાં માધ્યમો તરફ વળ્યા છે. નાયરના જણાવ્યા પ્રમાણે ટીવી ચેનલ કંપનીઓના બેફામ ભાવ વધારાના કારણે કૅબલ અને ડીટીએચ કંપનીઓનું કામ એક ફિક્સ રકમમાં માત્ર ચેનલોના પ્રસારણ માટેની કુરિયર સર્વિસ જેવું મર્યાદિત બની ગયું છે. ટ્રાઇએ ટીવી ચેનલોના જે બેસ્ટ પ્લાન જાહેર કર્યા છે તે કોઇને પસંદ નથી ઉપરાંત આવા પ્લાનમાં જોડાનારાઓને અગાઉ કરતાં વધુ નાણાં આપવા પડે છે, તેથી ટ્રાઇના નવા નિયમોથી ટીવી દર્શકોને આર્થિક ફાયદો થયાના અને દર્શકો ખુશ હોવાના દાવા હકીકતથી વેગળા હોવા ઉપરાંત જૂઠા છે.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer