જબાન સંભાલ કે... ઉત્તર પ્રદેશમાં ચૂંટણીપંચનો સપાટો

જબાન સંભાલ કે... ઉત્તર પ્રદેશમાં ચૂંટણીપંચનો સપાટો
બેફામ ઉચારણો બદલ યોગી અને આઝમખાન પર 72 કલાક, માયાવતી, મેનકા પર 48 કલાકનો પ્રચાર પ્રતિબંધ

નવી દિલ્હી, તા. 15 : લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન વાંધાજનક ટિપ્પણી મામલે ચૂંટણીપંચ હવે કડક બન્યું છે અને કાર્યવાહી કરતાં પંચ દ્વારા બસપા પ્રમુખ માયાવતી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી અને સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાન ઉપર ચૂંટણીપ્રચારને લઈને પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચારેય ઉપર આચારસંહિતા ભંગ કરવાનો આરોપ છે. ચૂંટણીપંચ તરફથી માયાવતી અને યોગી આદિત્યનાથ ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધ મુજબ માયાવતી 48 કલાક સુધી અને યોગી આદિત્યનાથ 72 કલાક સુધી ચૂંટણીપ્રચાર કરી શકશે નહીં.  મેનકા ગાંધી 48 કલાક અને આઝમ ખાન 72 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે. મેનકા અને આઝમ ખાન સામે મંગળવાર સવારથી પ્રતિબંધ લાગુ થશે.
માયાવતી અને યોગી આદિત્યનાથ ઉપરનો પ્રતિબંધ 16 એપ્રિલને મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પ્રતિબંધના કારણે હવે બન્ને નેતાઓ બીજા તબક્કાના 18 એપ્રિલે થનારા મતદાન માટે પ્રચાર કરી શકશે નહીં. મંગળવારે યોગી નગીના અને ફતેહપુર સીકરીમાં રેલી નહીં કરી શકે. જ્યારે માયાવતી આગરામાં અખિલેશની રેલીમાં સામેલ થઈ શકશે નહીં. 
7 એપ્રિલના રોજ માયાવતીએ સહારનપુરમાં સપા-બસપા અને રાલોદ મહાગઠબંધનની સંયુક્ત રેલીમાં ધર્મનાં નામે મત માગ્યા હતા. ચૂંટણી રેલી સંબોધિત કરતાં માયાવતીએ મુસ્લિમ મતદારોને અપિલ કરતાં કહ્યું હતું કે, તેઓ ચૂંટણીમાં એકતરફી મતદાન કરે છે. આ ઉપરાંત 13 એપ્રિલના બુલંદશહેરમાં રેલી દરમિયાન કહ્યું હતું કે, આપણે અલી અને બજરંગબલી બન્નેની જરૂર છે, કારણ કે તેઓ દલિત સમાજથી છે. બીજી તરફ યોગી આદિત્યનાથે પણ અલી અને બજરંગબલી ઉપર ટિપ્પણી કરી હતી તેમજ ભારતીય સેનાને મોદી સેના ગણાવી હતી. જેનાથી વિવાદ શરૂ થયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer