વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડના ખેલાડીઓ આઇપીએલ છોડશે

વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડના ખેલાડીઓ આઇપીએલ છોડશે
24 એપ્રિલ સુધીમાં સ્વદેશ પરત ફરવાનો આદેશ : રાજસ્થાન અને હૈદરાબાદને સૌથી વધુ નુકસાન: બટલર, સ્ટોકસ, આર્ચર, બેયરસ્ટો અને મોઇન સહિતના ઇંગ્લીશ ખેલાડીઓ પરત ફરશે

મુંબઇ, તા.19: આઇપીએલ-12ની સિઝન રોમાંચક તબકકામાં પ્રવેશી ચૂકી છે. અત્યાર સુધીમાં અરધાથી વધુ એટલે કે 33 મેચ રમાઇ ચૂકયા છે. પ્લેઓફમાં પહોંચવા માટે બેંગ્લોર અને રાજસ્થાન સિવાયની 6 ટીમ વચ્ચે કાંટે કી ટકકર ચાલી રહી છે. આઇપીએલ-12 જ્યારે ચરમ પર છે, ત્યારે જ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આઇપીએલ રમી રહેલ તેના તમામ ખેલાડીઓને દેશ પરત ફરવાનો આદેશ આપ્યો છે. આથી આઇપીએલમાં તા. 23 એપ્રિલ પછીના મેચોમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. ઇંગ્લેન્ડના ખેલાડીઓને 24 એપ્રિલ સુધીમાં સ્વદેશ પરત ફરવાનું છે. આગામી વિશ્વ કપને ધ્યાને રાખીને ઇસીબીએ તેના ખેલાડીઓને પરત બોલાવી લીધા છે. 
ઇંગ્લેન્ડના ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની સ્થિતિમાં સૌથી મોટુ નુકસાન રાજસ્થાન રોયલ્સને થશે. આમ પણ તેની સ્થિતિ સારી નથી અને સાતમા સ્થાને છે. તેના ત્રણ મુખ્ય ખેલાડી જોસ બટલર, બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડના છે. જે તેમના દેશ પરત ફરી રહયા છે. બટલરે 8 મેચમાં311 રન કર્યાં છે. સ્ટોકસ ટીમનો ઓલરાઉન્ડર છે. તો આર્ચર મુખ્ય બોલર છે.
રાજસ્થાન ઉપરાંત સનરાઇઝર્સ હૈદરાબાદને પણ મોટો ફટકો પડશે. તેનો ઇનફોર્મ બેટસમને જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડ પરત ફરી રહયો છે. તે હાલ શાનદાર ફોર્મમાં છે. બેયરસ્ટોએ 8 મેચમાં 365 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની રેસમાં ત્રીજા નંબર પર છે. સેમ બિલિંગ પણ ચેન્નાઇનો સાથ છોડશે. જો કે આથી ચેન્નાઇને બહુ ફરક પડશે નહીં. મોઇન અલીને પણ આરસીબીનો સાથ છોડવો પડશે. જો કે કોહલીના સુકાનીપદ હેઠળની આરસીબી ટીમ આમ પણ પ્લેઓફની લગભગ બહાર થઇ ચૂકી છે. મોઇન અલીનું પણ આઇપીએલમાં આ સિઝનમાં નોંધપાત્ર પ્રદર્શન રહયું નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer