નોટબંધી અને જીએસટી એ મોદી સરકારનો ગુનો નહોતો

નોટબંધી અને જીએસટી એ મોદી સરકારનો ગુનો નહોતો
આર્થિક સુધારાનાં ફળ તોડવાનો  સમય આવી ગયો : રાકેશ ઝુનઝુનવાલા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : જીએસટી, નોટબંધી અને અન્ય મોટા આર્થિક સુધારાને પગલે ભારત આવનારા દાયકામાં વિકાસની હરણફાળ ભરશે અને એવું બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું માનવું છે.  
આવનારા દાયકામાં મૂડી રોકાણ અને વિદેશી રોકાણમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થવાની ધારણા તેમણે વ્યક્ત કરી છે.   
શૅરબજારના મોટા રોકાણકાર ઝુનઝુનવાલાએ કહ્યું કે ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) અને નોટબંધીની જે વિપરીત અસર હતી તે પાછળ છૂટી ગઈ છે અને હવે આ સુધારાના સારા ફળ આરોગવાનો સમય છે જે આગળ જતાં જીડીપીના ફળ સ્વરૂપે તે જોવા મળશે. 
ઝુનઝુનવાલાએ કહ્યું કે કેટલાક લોકો એવું માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી અને જીએસટી જેવા સુધારા અમલમાં મૂકીને ગુનો કર્યો છે પણ તેના ખરો લાભ હવે જોવા મળશે.  
તેમણે કહ્યું કે, `અન્ય દેશના અનુભવ તરફ ધ્યાન આપીએ તો જાણ થશે કે તેમને સ્થિર થતાં પાંચથી સાત વર્ષ લાગ્યા હતા જ્યારે આપણે એક વર્ષમાં સ્થિર થઈ ગયા. ભારત સૌથી ઝડપી દરે વૃદ્ધિ કરશે. બજારમાં વધુ નાણાં આવશે.' તેમણે કહ્યું કે ભારત ઊંચા પાયા ઉપર વિકાસ કરી રહ્યો છે તે દૂરદૃષ્ટિ ખોવી જોઈએ નહીં. `આપણે એવી પરિસ્થિતિ ઉપર પહોંચ્યાં છીએ જ્યાં વપરાશી ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. લોકો શૅરમાં વિશ્વાસ કરે છે પણ અર્થતંત્રમાં વિશ્વાસ નથી કરતાં એવું મારું માનવું છે.' 
શૅરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સાતત્ય રોકાણ પ્રવાહ વિશે જણાવતાં ઝુનઝુનવાલાએ કહ્યું કે વૈશ્વિક સ્તરે સ્ટોક માર્કેટમાં જે તેજી તાજેતરમાં જોવા મળી છે તેનું મને આશ્ચર્ય છે.   
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) એ આ વર્ષમાં અત્યાર સુધીમાં ભારતીય ઈક્વિટીસમાં રૂા. 61,000 કરોડ ઠાલવ્યા છે જેની સામે વર્ષ 2018માં રૂા. 32,600 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું.   
તેમણે કહ્યું કે `નીચા વ્યાજ 
દર જળવાઈ રહેશે તે આપણે સ્વીકારવું જોઈએ. આ માન્યતાના પગલે ઈક્વિટીમાં વધુ નાણાં આવ્યા છે જેના પરિણામે ઊંચો પીઈ જોવા મળ્યો છે. આ જ કારણસર વિકસતાં બજારો કરન્સી અને વિકાસના મુદ્દે અત્યાર 
સુધીના ઈતિહાસમાં સૌથી સારી સ્થિતિમાં છે.' 
ઝુનઝુનવાલા બૅન્ક્સ, ફાર્મા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની તેજી માટે આશાવાદી છે. જાહેર ક્ષેત્રની કંપનીઓમાં તેના આકર્ષક મૂલ્યાંકનને ધ્યાનમાં રાખતાં  કેટલીક પસંદગીની તક જોવાશે. 
ફાર્મા ક્ષેત્ર વિશે તેમણે કહ્યું કે, `ભાવમાં ઘસારો પાછળ રહી ગયો છે. ભારતીય ફાર્મા ક્ષેત્ર અત્યાર સુધીની સૌથી ઝડપી ગતિએ વિકસશે. ફાર્મા એવી બજાર છે જ્યાં માગ ઘટતી નથી. આપણને એ બાબત ખબર હોવી જોઈએ કે યુએસમાં ઉપયોગમાં લેવાતી 40-45 ટકા ઔષધિઓ ભારતમાં બનેલી હોય છે.
આ ઉદ્યોગનો સૂર્ય ઉદય થઈ રહ્યો છે અને તે ક્યારે આથમશે નહીં.' તેમણે કહ્યું કે `આવનારા દાયકામાં ભારતીય અર્થતંત્ર અને બજારની કામગીરી ઘણી સારી રહેશે. પાછલો દાયકો આંશિક રીતે ધોવાયો હતો.' 
એક સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે ઝુનઝુનવાલાએ તાજેતરમાં કહ્યું હતું કે પાછલા ચાર દાયકામાં ઈક્વિટીમાં જે તેજી જોવાઈ હતી તેનો લાભ ગરીબોને નથી થયો. વેલ્થ ટૅક્સ જેવા લોકસીક પગલાં વિરુદ્ધ આપણે સંરક્ષણ આપવું જોઈએ. તેમણે કહ્યું કે આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જે 41મી એએમસી છે તેણે દેશમાં ધંધો શરૂ કર્યો છે. 
તેમણે કહ્યું કે જે ગરીબ વર્ગ વ્યક્તિગત વિકાસની તક ચૂકી ગયા છે તેઓ તેમના મત દ્વારા સરકાર નક્કી કરશે અને તેમણે પસંદ કરેલા નેતા મુખ્ય ક્ષેત્રની સેવા કરશે.  
બૅન્ક, ફાર્મા અને ઇન્ફ્રા શૅરોમાં તેજી આવશે યુએસનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે ત્યાંના પ્રમુખપદના એક ઉમેદવારે વેલ્થ ટૅક્સ લાગુ કરવાનું કહ્યું છે, તે ટ્રેન્ડ શરૂ થયો તો વિશ્વભરમાં તે અમલમાં આવશે. 
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer