વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લી ઘડીએ પ્રચાર કરવા ફરી આવશે ગુજરાત

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.19: ગુજરાતમાં 23 એપ્રિલે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે છેક છેલ્લી ઘડી સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર અર્થે ફરી ગુજરાત આવશે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા વડા પ્રધાન મોદી આગામી તા.21મી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતમાં ત્રણ સભાઓ સંબોધિત કરશે.
વડા પ્રધાન મોદી પાટણ, મહેસાણા અને બનાસકાંઠા સંસદીય વિસ્તારમાં જનસભા ગજાવશે. તાજેતરમાં જ વડા પ્રધાન મોદી હિંમતનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરતા જનસભાઓ ગજવી હતી. 
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગુજરાતની વતની અને મતદાર હોવાથી  23 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક માટે મતદાન કરશે. 23 એપ્રિલે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર એક સાથે મતદાન થશે ત્યારે વડા પ્રધાન મોદી મતદાન કરવા માટે મતદાનના આગલા દિવસે તા.22 એપ્રિલે સાંજે અમદાવાદ આવી પહોંચશે અને રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે. તેમ જ 23 એપ્રિલે સવારે ગાંધીનગર બેઠક માટે મતદાન કરશે.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer