શહીદ કરકરેને `દેશદ્રોહી'' કહેનારાં પ્રજ્ઞા ઠાકુરના નિવેદન

બદલ વડા પ્રધાન માફી માગે : કૉંગ્રેસ
 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : મહારાષ્ટ્ર એટીએસના દિવંગત વડા હેમંત કરકરે સામે ભાજપની ભોપાળ ખાતેની ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરે કરેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ભારે વિવાદ ઊભો થયો છે અને મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે શહીદના અપમાન બદલ માફી માગવાનું વડા પ્રધાનને જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ આઈપીએસ અધિકારીઓએ પણ આ નિવેદનને વખોડયું છે તેમ જ ચૂંટણી પંચ પણ આ મુદ્દે તપાસ કરી રહ્યું છે.
જોકે, છેલ્લે છેલ્લે ભાજપે ડેમેજ કંટ્રોલ કરતાં પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનથી પોતાને વેગળો રાખતાં સ્પષ્ટતા કરી હતી કે, આ નિવેદન તેમનું અંગત નિવેદન છે, પરંતુ રાષ્ટ્રવાદના વડા પ્રધાનના ઊંચા દાવાઓમાં ગાબડું પાડવા આ તકને ઝડપી લેતાં કૉંગ્રેસે જણાવ્યું હતું કે, ભાજપનો રાષ્ટ્રવાદ-વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે. 
કૉંગ્રેસના મીડિયા સેલના વડા રણદીપ સૂરજેવાલાએ એવો આક્ષેપ કર્યો હતો કે રાષ્ટ્રની સેવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા કરકરેને દેશદ્રોહી કહેતાં પ્રજ્ઞાના નિવેદનથી દેશના અશોકચક્ર વિજેતા શહીદનું અપમાન થયું છે.
ભાજપનાં આ ઉમેદવારની ટિપ્પણીનો ઉપયોગ કરીને વડા પ્રધાન પર સીધો હુમલો કરતાં સૂરજેવાલાએ એવો આક્ષેપ કર્યો હતો કે, ``અમને ખબર છે કે, મોદી તેમના પક્ષના સભ્યો પાસેથી આવાં નિવેદનો કરાવે છે. ભાજપના ઉમેદવાર દ્વારા શહીદના કરાયેલા અપમાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માગવી જોઈએ.
આઈપીએસ ઍસોસિયેશને ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે, ``અશોકચક્ર વિજેતા હેમંત કરકરેએ આતંકવાદીઓ સામે લડતાં પોતાની જાતનું બલિદાન આપી દીધું હતું. અમે તેમનું અપમાન કરતા આ નિવેદનની ટીકા કરીએ છીએ અને એવી માગણી કરીએ છીએ કે, અમારા શહીદોની શહીદીનું માન જાળવવું જોઈએ. મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુર સામે અમને ફરિયાદ મળી છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ.
બે દિવસ પહેલાં જ્યારે ભાજપે ભોપાળ લોકસભાની બેઠક પરથી દિગ્વિજયસિંહ સામે પ્રજ્ઞા ઠાકુરના નામની જાહેરાત કરી ત્યારે કૉંગ્રેસ દિગ્મૂઢ થઈ ગઈ હતી. આ સૌથી જૂના પક્ષને એવો ડર લાગ્યો હતો કે જો પ્રજ્ઞાની ઉમેદવારીને લઈને ભાજપ પર પ્રહાર કરવામાં આવશે તો તેનાથી કોમી લાઈન પર મતોનું ધ્રુવીકરણ થશે અને ફરીવાર ભગવા સુનામી ફરી વળશે અને વક્રોકિત તો જુઓ, શુક્રવારે આ જ પ્રજ્ઞાસિંહે કૉંગ્રેસને વડા પ્રધાન મોદી અને ભાજપ પર પ્રહાર કરવાનો મોકો આપી દીધો હતો. શહીદને દેશદ્રોહી કહેવાના પ્રજ્ઞાના નિવેદનને લોકો હળવાશથી નહીં લે. હવે પ્રજ્ઞાની ઉમેદવારીની ટીકા કરવાનું જોરદાર કારણ અમારી પાસે છે, એમ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું. ગુરુવારે ભાજપના કાર્યકરોને સંબોધતાં પ્રજ્ઞાસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, કરકરેનું મોત થયું હતું, કારણ કે તેણે તેમને શાપ આપ્યો હતો. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં કસ્ટડી દરમિયાન કરકરેએ ત્રાસ આપ્યો હોવાનો દાવો પ્રજ્ઞા ઠાકુરે કર્યો હતો. ``કરકરે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા, કારણ કે મેં તેમને શાપ આપ્યો હતો,'' એમ પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું હતું.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer