સાધ્વી પ્રજ્ઞાસિંહના શાપવાળા નિવેદનથી

ભૂતપૂર્વ આઇપીએસ અૉફિસરો ખફા
મુંબઈ, તા.19 (પીટીઆઇ) : મેં શાપ આપ્યો હતો તેથી મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી પોલીસ દળના વડા હેમંત કરકરે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા, એવા ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે આપેલા વિવાદાસ્પદ નિવેદનને ઇન્ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) ઍસોસિયેશનના હાલના અને પૂર્વ આઇપીએસ અધિકારીઓએ વખોડયું હતું. કેન્દ્રીય પોલીસ સર્વિસ ઍસોસિયેશનના સત્તાવાર ટવીટર હેન્ડલ `આઇપીએસ ઍસોસિયેશન'ના માધ્યમથી જણાવાયું હતું કે કરકરેએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, તેઓ શહીદ છે. ઍસોસિયેશન તરફથી જણાવાયું હતું કે અશોક ચક્ર એવૉર્ડ વિજેતા દિવંગત આઇપીએસ અધિકારી હેમંત કરકરેએ આતંકવાદીઓ સામે લડતા-લડતા સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. હાલમાં દેશના તમામ ખાખી વરદીધારી (પોલીસ દળ) માટે અપમાનજનક નિવેદન ભાજપના ઉમેદવારે આપ્યું છે તેને અમે વખોડીએ છીએ સાથે સાથે માગણી કરીએ છીએ કે દેશ કે સમાજ માટે શહીદ થનારા સુરક્ષા દળોના તમામ સિપાહીઓનું સન્માન થવું જોઇએ.
નિવૃત્ત આઇપીએસ ઍસોસિયેશનના ચેરમેન અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર જુલિયો રિબેરોએ મધ્યપ્રદેશના ભોપાલની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનેલા ઠાકુરના નિવેદનને કમનસીબ ગણાવી જણાવ્યું હતું કે કરકરે એક શ્રેષ્ઠ પોલીસ અધિકારી રહ્યા હતા અને તેમની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે લગભગ સમગ્ર મહારાષ્ટ્રમાં ઊજળી કામગીરી કરી હતી, તેમના પર ક્યારેય કોઇ પણ પ્રકારના આક્ષેપોનો દાગ પણ નહોતો લાગ્યો. તેઓએ ક્યારેય કોઇ ખોટું કામ જ નહોતું કર્યું. સાધ્વીનું નિવેદન ધ્યાનમાં આવ્યા બાદ કરકરે સાથે કામ કરનારા નાનાથી મોટા તમામ પોલીસ કર્મચારીઓના મનમાં હાલમાં એવી લાગણી છે કે આ કેવા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
મુંબઈ પર 26 નવેમ્બર, 2008ના પાકિસ્તાન પ્રેરિત ખતરનાક આતંકવાદી હુમલામાં કરકરે ઉપરાંત અશોક કામઠે અને વિજય સાલસકર સહિતના 14 નાના-મોટા જાબાંઝ પોલીસ અધિકારીઓએ શહીદી વહોરી હતી. આ હુમલા અગાઉ સપ્ટેમ્બરમાં માલેગાંવમાં છ વ્યક્તિનો જીવ લેનારા બૉમ્બ વિસ્ફોટ કેસમાં મુખ્ય આરોપી તરીકે સાધ્વી અને અન્યોની મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી પોલીસ દળે ધરપકડ કરી હતી. બાદમાં સાધ્વી જામીન પર મુક્ત થયાં હતાં પરંતુ હજુ તેમની સામે આ ખટલો તો અદાલતમાં ચાલી રહ્યો છે.
ભોપાલમાં ભાજપના કાર્યકરોને સંબોધતાં સાધ્વીએ આરોપ કર્યો હતો કે આ કેસની કસ્ટડીમાં કરકરેએ મારા પર અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. મેં તેમને શાપ આપ્યો હતો કે તમારો નાશ થશે. આ શાપ આપ્યાના મહિના બાદ જ સૂતકનો મહિનો શરૂ થયો હતો અને આતંકવાદીઓએ તેને મારી નાખ્યો હતો. આ સાથે જ મારો અપવિત્ર અને યાતનાનો સમય ખતમ થયો હતો.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer