અમને કોઈ દત્તક લો, પ્લીઝ

અમને કોઈ દત્તક લો, પ્લીઝ
નૅશનલ પાર્કનાં પ્રાણીઓને એડપ્ટ લેવાની યોજનાને મોળો પ્રતિસાદ, 80 પ્રતીક્ષા યાદીમાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.19 : શહેરની ભાગોળે આવેલા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન તરફ મુંબઈગરાઓ આકર્ષાય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે એ હેતુથી વર્ષ 2013માં ઉદ્યાનનાં પ્રાણીઓની દત્તક યોજના શરૂ કરાઇ હતી. જોકે, આ યોજનામાં મુંબઈગરાઓનો રસ ઘટતો જાય છે તેથી આ વર્ષે ઉદ્યાનના 80 જેટલાં પ્રાણીઓ હજુ સુધી કોઇએ દત્તક નથી લીધાં. 
વર્ષ 2018-19માં જીત આઠવલે, સાધના વઝે અને અભિનેતા સુમિત રાઘવને એક-એક દીપડો, ગીતા ઉલ્મને નીલગાય, રેમંડે ત્રણ સિંહ, એક વાઘ અને ચાર જંગલી બિલાડા તેમ જ ચાર ચિતળ તેમ જ નૅશનલ પાર્કની બ્રૅન્ડ એમ્બેસેડર અભિનેત્રી રવિના ટંડને એક દીપડો અને એક નીલગાયને દત્તક લીધી છે. જો કે ઉદ્યાનનાં 80 પ્રાણીઓ હજુય દત્તક લેવાય તેની પ્રતીક્ષામાં છે. વન વિભાગના અધિકારી સંજય વાઘમોડેએ જણાવ્યું હતું કે આ વર્ષે પ્રાણીઓની દત્તક યોજનાને ખૂબ જ મોળો પ્રતિસાદ મળ્યો છે, માત્ર છ વ્યક્તિએ જ પ્રાણીઓને દત્તક લીધાં છે. હજુ 80 પ્રાણીઓ દત્તક આપવાની પ્રતીક્ષા યાદીમાં છે અને કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પ્રાણીઓને દત્તક લઇ શકે છે. 
પ્રાણીને દત્તક લેવા માટે વન વિભાગમાં અરજી આપવાની રહે છે અને વન વિભાગે ઠેરવેલી રકમ ચૂકવીને પ્રાણીને એક વર્ષ માટે દત્તક લઇ શકાય છે. આ રકમ પ્રાણીની દેખભાળમાં ખર્ચ કરાય છે. યોજના અંતર્ગત પ્રાણીઓના દર નક્કી કરાયા છે તે પ્રમાણે સિંહ ત્રણ લાખ રૂપિયામાં, સફેદ વાઘ 3.20 લાખ રૂપિયામાં, વાઘ 3.10 લાખ રૂપિયામાં, દીપડો 1.20 લાખ રૂપિયામાં, જંગલી બિલાડી પચાસ હજારમાં, ચિતળ 20 હજાર રૂપિયામાં, નીલગાય 30 હજાર રૂપિયામાં અને હરણ દસ હજાર રૂપિયામાં એક વર્ષ માટે દત્તક આપવામાં આવે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer