આ ચૂંટણીમાં ડુપ્લિકેટ મોદીની ડિમાન્ડ ઘટી

આ ચૂંટણીમાં ડુપ્લિકેટ મોદીની ડિમાન્ડ ઘટી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મુંબઈના મોદી તરીકે જાણીતા વિકાસ મહંતે પાસે આ ચૂંટણીમાં ખાસ કોઇ કામ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવો ચહેરો ધરાવતા વસઇના બિઝનેસમૅને વર્ષ 2013માં પોતાની દાઢી વધારીને નરેન્દ્ર મોદીના ડુપ્લિકેટ તરીકે ઓળખ મેળવી હતી. રંગપંચમીના કાર્યક્રમમાં તેને જોઇને સમાચાર માધ્યમોએ પણ મહંતે મોદીના ડુપ્લિકેટ હોવાની નોંધ લીધી હતી.
પેકેજિંગનો બિઝનેસ ધરાવતા મહંતેએ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપ અને શિવસેનાની યુતિ માટે રોડ શો પણ કર્યા હતા અને ભાજપના સભ્ય પણ બન્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ મહંતે પણ પછાત વર્ગના છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર છે. તેમણે પોતાનું મૂળ વતન ગુજરાત હોવાનું પણ જણાવ્યું હતું. 
57 વર્ષના મહંતેના જણાવ્યા પ્રમાણે મને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. હું કાર્યક્રમના સ્થળે પહોંચું એટલે લોકો મોદી...મોદીના નારા લગાવતા અને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ ફેલાતો અને કેટલાક મારી ફરતે વિંટળાઇને સુરક્ષા આપતા. સભામાં ઉપસ્થિત લોકોને પણ આશ્ચર્ય થતું અને મને ખાતરી છે કે લોકો ભાજપને મત પણ આપતા હતા.
2014ની લોકસભાની ચૂંટણીમાં મલાડમાં રહેતા મહંતેએ ભાજપની 22 રૅલીમાં ભાગ લીધો હતો અને જેમાં તેણે બાળકોને તેડીને વહાલ કર્યું હતું, લોકો અને કાર્યકરોએ તેમની સાથે સેલ્ફીઓ પણ લીધી હતી. જોકે, આ વખતની ચૂંટણીમાં મહંતે પાસે ખાસ કોઇ કામ નથી. અત્યાર સુધીમાં મહંતેએ નાશિક, ધુળે અને ઉત્તર મુંબઈમાં મળીને ભાજપપ્રચારના માત્ર પાંચ કાર્યક્રમોમાં હાજરી આપી છે. મહંતેએ કહ્યું હતું કે આજકાલ સોશિયલ મીડિયામાં ભાજપના સ્ટાર પ્રચારકો છવાયેલા છે, તેથી મારી નોંધ ખાસ નથી લેવાતી.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer