કૉંગ્રેસ સાથે છેડો ફાડી પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં સામેલ

કૉંગ્રેસ સાથે છેડો ફાડી પ્રિયંકા ચતુર્વેદી શિવસેનામાં સામેલ
આનંદ વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 19 : લોકસભાની ચૂંટણી માટે પ્રચારઝુંબેશ જોરશોરથી ચાલુ છે ત્યારે કૉંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવકતા પ્રિયંકા ચતુર્વેદીએ ગઈકલે રાત્રે સોશિયલ મીડિયા ઉપર નારાજગી વ્યક્ત કરીને પક્ષ સાથે છેડો ફાડયો છે. તેમણે આજે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો.
પ્રિયંકા ચતુર્વેદીએ ગત સપ્ટેમ્બરમાં મથુરામાં રફાલ સોદા અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરનારા કૉંગ્રેસના કાર્યકરોને પક્ષમાંથી હટાવવામાં આવ્યા હતા. જોકે, બાદમાં કૉંગ્રેસ મોવડીઓએ સ્થાનિક કાર્યકરોને ખુશ કરવા માટે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓને પુન: પક્ષમાં લીધા હતા. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસની `િશસ્તભંગ સમિતિ' દ્વારા તે કાર્યકરોને આપવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તમે પક્ષની ઇમેજને નુકસાન થાય નહીં એવું કોઈ કામ નહીં કરો એવી અપેક્ષા છે. આ પત્ર ઉપર કમિટીના ફઝલ મસુદ દ્વારા સહી કરવામાં આવી હતી.
તે અંગે પ્રિયંકા ચતુર્વેદીએ પક્ષના મોવડીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી અને બુધવારે ટ્વીટર ઉપર લખ્યું હતું કે પક્ષ માટે જેઓએ `પરસેવો અને લોહી આપ્યા હોય' તેઓની સામે `ગુંડા'ઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
પ્રિયંકા ચતુર્વેદીએ આજે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને ટ્વીટર ઉપર લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં સપ્તાહથી મને કેટલીક વસ્તુઓ સમજાઈ છે કે પક્ષમાં સેવાની કદર થતી નથી. તેથી પક્ષમાં હું ડેડ એન્ડ પર આવી પહોંચી છું. તેથી મને લાગે છે કે પક્ષમાં જેટલો વધારે સમય હું ગાળીશ એટલો સમય મારા સન્માન અને ગૌરવના ભોગે ગાળીશ.
પક્ષના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિન્ધિયાએ દેખાડેલી લીલી ઝંડી પછી હટાવવામાં આવેલા કાર્યકરોને પાછા લેવાયા ત્યારે ચતુર્વેદીએ વિરોધ દર્શાવ્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer