રૂા. 2.2 કરોડનું LPG ફ્રોડ : ગૅસ એજન્સીના મૅનેજરની ધરપકડ

રૂા. 2.2 કરોડનું LPG ફ્રોડ : ગૅસ એજન્સીના મૅનેજરની ધરપકડ
મુંબઈ, તા. 19 : સિલિન્ડર મેળવવા અસ્તિત્વમાં ન હોય તેવા ડેટાનો કથિતપણે દુરુપયોગ કરી આ સિલિન્ડરોનાં કાળાં બજાર કરવા બદલ એક એલપીજી એજન્સીના મૅનેજરની ધરપકડ કરવામાં આવી હતી.
સાયન-કોલીવાડામાં આવેલી આ એજન્સીનો મૅનેજર કોહીલદાસ નાદર (36) સિલિન્ડર રીફીલ માટે આશરે 3000 ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કરતો અને પાછળથી તેનો ગેરકાયદે રેસ્ટોરન્ટ તેમ જ હોટલોને પુરવઠો કરતો હતો. આમ કરવા માટે તેણે કેટલાક ભૂતપૂર્વ ગ્રાહકોના અને કેટલાંક મૃત્યુ પામેલા ગ્રાહકોના ડેટાનો ઉપયોગ કર્યો હતો.
ખરેખરા ગ્રાહકોને સિલિન્ડર માટે રૂા. 678 ચૂકવવા પડે છે ત્યારે નાદર તેને ધંધાદારીઓને રૂા. 1200ના ભાવે વેચતો અને આ રીતે સિલિન્ડર દીઠ ખોટી રીતે 500 રૂપિયાની કમાણી કરતો હતો. આ પ્રકારે તે દરરોજના રૂા. 20,000 સુધી કમાતો હતો અને આ રીતે તેણે રૂા. 2.2 કરોડ ભેગા કર્યા હતા. એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
અસ્તિત્વમાં ન હોય તેવા ગ્રાહકોનાં નામ એજન્સીના રેકર્ડમાંથી કાઢી નાખવામાં નહીં આવ્યા હોઈ તેનો દુરુપયોગ નાદર કરતો હતો.
પોલીસે ચોક્કસ માહિતી મળતાં એજન્સી પર દરોડો પાડયો હતો જેમાં 50 ટકાથી વધુ ગ્રાહકોનો રેકર્ડ અપડેટ કરવામાં આવ્યો ન હતો. એકંદરે આવા 3000થી વધુ બોગસ ગ્રાહકો ચોપડે ચડેલા હતા.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer