ચોકીદાર ગરીબ ખેડૂતોનાં ઘરે ક્યારેય જોવા મળતા નથી : રાહુલ ગાંધી

ચોકીદાર ગરીબ ખેડૂતોનાં ઘરે ક્યારેય જોવા મળતા નથી : રાહુલ ગાંધી
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 19 : રાજ્યમાં આગામી 23મીએ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કૅંગ્રેસ દ્વારા પ્રચારઝુંબેશ તેજ કરવામાં આવી છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બારડોલીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ફરી એક વખત વડા પ્રધાન મોદી માટે ચૌકીદાર ચોર હૈનો નારો લગાવ્યો હતો સાથે ઉમેર્યું હતું કે, ચોકીદાર કદી ગરીબ ખેડૂતોનાં ઘરે જોવા મળતા નથી, પરંતુ ચોકીદાર અંબાણીના ઘરે જોવા મળે છે. 
રાહુલ ગાંધીએ ભાજપ અને વડા પ્રધાન મોદી પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ માત્ર મસમોટા વાયદાઓ કર્યા છે, પરંતુ વાસ્તવમાં કશું કામ કર્યું નથી. બેરોજગારીનો વધતો આંક તેની ચાડી ખાય છે. વડા પ્રધાન મૂડીવાદીઓના ઘરે નજરે પડે છે, પરંતુ ગરીબ કે ખેડૂતોનાં ઘરે વડા પ્રધાન કદી નજરે પડતા નથી. 
વડા પ્રધાન મોદીએ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી વખતે જનતાને બૅન્ક ખાતામાં રૂા. 15 લાખ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ગરીબોનાં ખાતાંમાં એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. અમે જનતાને વચન આપીએ છીએ કે કૉંગ્રેસ સરકાર આવશે તો ગરીબોનાં ખાતાંમાં સીધા રૂા. 72 હજાર જમા કરાવવામાં આવશે. અમે અગાઉ આપેલાં વચનો પાળ્યાં છે. કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર બનતાં ગણતરીના દિવસોમાં આ વચનને લાગુ કરવામાં આવશે. અમે ગરીબોને સાચા અર્થમાં મદદ કરવા ઈચ્છીએ છીએ. 
રાહુલ ગાંધીએ વધુ એક વખત નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા અને અનિલ અંબાણીનાં નામ લઈને ભાજપ અને મોદી સરકાર પર આકરા વાકબાણ તાક્યાં હતાં. 
છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર બનતાની સાથે જ કૉંગ્રેસના મુખ્ય પ્રધાનોએ ગણતરીના સમયમાં ખેડૂતોનાં દેવાંમાફ કરી દીધાં હતાં. કેન્દ્રમાં પણ કૉંગ્રેસની સરકાર આવશે તો ચૂંટણીઢંઢેરામાં જે વચનો આપ્યાં છે તેનો અમલ ગણતરીના દિવસોમાં લાગુ કરી દેવામાં આવશે. ભાજપ સરકારે એક પણ વચન નિભાવ્યું નથી. જે તેની દેશની ગરીબ પ્રજા પ્રત્યેની દાનતનાં દર્શન કરાવે છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદી પર ગરીબો અને ઈમાનદારોને ડરાવવાનો આક્ષેપ કર્યો હતો. 
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer