ભાજપ બારામતીમાં મોટી સરસાઈથી વિજયી નીવડશે : અમિત શાહ

ભાજપ બારામતીમાં મોટી સરસાઈથી વિજયી નીવડશે : અમિત શાહ
ભાજપના પક્ષપ્રમુખ કહે છે, મારા પક્ષ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ વચ્ચે મૈત્રીભરી લડત નથી એ સ્પષ્ટતા કરવા હું અહીં આવ્યો છું
પુણે, તા. 19 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારનો ગઢ ગણાતી લોકસભાની બારામતીની બેઠક અમે મોટી સરસાઇથી જીતશું. બારામતીમાં અમારે માટે મૈત્રીભરી લડત નથી એમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું છે.
આ બેઠક ઉપર પવારની દીકરી અને વર્તમાન સાંસદ સુપ્રિયા સૂળે સામે ભાજપના ઉમેદવાર કંચન રાહુલ કુલ ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ ભાજપના સાથી રાષ્ટ્રીય સમાજ પક્ષના દૌંડના વિધાનસભ્ય રાહુલ કુલનાં પત્ની છે. તેઓએ કમળના ચૂંટણી ચિહ્ન ઉપર મેદાનમાં ઝુકાવ્યું છે.
બારામતીમાં ચૂંટણી સભાને સંબોધતી વેળાએ અમિત શાહે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ફડણવીસ સારી રીતે પ્રચાર કરી રહ્યા હોવાથી બારામતીમાં ચૂંટણી સભા યોજવાની યોજના નહોતી તેથી મારા પક્ષે મહારાષ્ટ્રમાં પ્રચારસભાની સંખ્યા ઘટાડી દીધી છે. જોકે ભાજપ અને રાષ્ટ્રવાદી વચ્ચે મૈત્રીભરી લડત છે એવી અફવા હતી. તેથી હું સ્પષ્ટતા કરવા આવ્યો છું કે ભાજપ મોટી સરસાઇથી આ બેઠક જીતવાનો છે. ભાજપ આ બેઠક જીતવા બધા પ્રયાસો કરી રહ્યો છે. લોકોને હું મૂળમાં ઘા મારવાનો અનુરોધ કરું છું. ગત ચૂંટણીમાં મહાદેવ જાનકર થોડા હજાર મતોને કારણે પરાજય પામ્યા હતા. અમે ગત વખતની ભૂલ કરી નથી. અમે કંચન કુલને ભાજપના ચૂંટણી ચિહ્ન-કમલ ઉપર મેદાનમાં ઉતર્યા છે, એમ શાહે ઉમેર્યું હતું.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer