વિક્રોલીમાં ગટરનું ઢાકણું તૂટતાં ટ્રક પલટી થઈ, ચાર જણ ચગદાઈ ગયા

વિક્રોલીમાં ગટરનું ઢાકણું તૂટતાં ટ્રક પલટી થઈ, ચાર જણ ચગદાઈ ગયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : વિક્રોલીમાં ગુરુવારે રાત્રે એક કરુણાંતિકા સર્જાઈ હતી, જેમાં ચાર જણનું ઘટનાસ્થળે  જ મૃત્યુ થયું હતું અને અન્ય એકને ગંભીર ઈજા થઈ હતી. આ કરુણ ઘટનાને લીધે પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનની હદમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
ગુરુવારે મધરાતની આસપાસ ધાન્ય ભરેલી એક ટ્રક જઈ રહી હતી ત્યારે એના ભારને કારણે ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું અને ટ્રક પલટી થઈ ગઈ હતી અને એની નીચે ચાર જણ ચગદાઈ ગયા હતા. ચારેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ઘાયલ થયેલી એક વ્યક્તિને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મૃત્યુ પામેલાઓમાં અશ્વિન હેવારે, વિશાલ શેલાર, અબ્દુલ હમીદ શેખ, ચંદ્રશેખર મુસડેનો સમાવેશ છે. જ્યારે ઘાયલનું નામ ચાંદ હસન શેખ છે.
ઘટનાની તુરંત બાદ પોલીસે ટ્રક ડ્રાઈવરને તાબામાં લીધો હતો અને રોડ પર પહેલા ટ્રકને બાજુએ ધકેલી દીધી હતી.
સૂત્રોએ કહ્યું હતું કે યુવકો રસ્તા પર ઊભા રહીને વાતો કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. લોકો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રકમાંથી પહેલાં ધાન્યની ગૂણી બહાર કાઢી હતી અને અગ્નિશમન દળના જવાનોએ ટ્રકની નીચે દબાયેલા બધાને બહાર કાઢ્યા હતા. જોકે એમાંથી ચારનું મૃત્યુ થઈ ગયું હતું જ્યારે એકને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.
રહેવાસીઓએ કહ્યું હતું કે આ ગટરનું કામ અઠવાડિયા પૂર્વે જ કરવામાં આવ્યું હતું. 
જોકે હલકા પ્રકારના કામને લીધે ઢાંકણાએ દગો દીધો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer