વિશ્વભરમાં જૈન ધર્મ અને શાકાહારના પ્રસારક પૂ. ચિત્રભાનુજીનું નિધન

વિશ્વભરમાં જૈન ધર્મ અને શાકાહારના પ્રસારક પૂ. ચિત્રભાનુજીનું નિધન
`મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે'

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : `મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.'
આજે વિશ્વમાં ઠેરઠેર આતંકવાદની હોળી રમાઈ રહી છે. દેશો-દેશો વચ્ચે વેરભાવના વધી રહી છે ત્યારે મૈત્રીભાવની સરવાણી વહે અને દરેકનાં હૃદયને સ્પર્શી જાય એવું આ અજોડ અને અવિસ્મરણીય ગીત રચીને વિશ્વવિખ્યાત થયેલા જૈન ધર્મ તેમ જ શાકાહારના વિશ્વ પ્રચારક પૂ. શ્રી ચિત્રભાનુજીએ આજે આખરી વિદાય લેતાં તેમના દેશ-વિદેશના બહોળા અનુયાયી વર્ગમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.
વાલકેશ્વરમાં રહેતા ચિત્રભાનુજીના અંતિમ સંસ્કાર બાણગંગા ખાતે કરવામાં આવ્યા હતા.
લાંબી માંદગી બાદ પૂજ્યશ્રીનું આજે અહીં 97 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. વર્ષ 1922ની 22 જુલાઈએ રાજસ્થાનમાં જન્મેલા ચિત્રભાનુજીના પિતાનું નામ છોગાલાલજી અને માતાનું નામ ચુનીબાઈ હતું. તેમનું નામ રૂપરાજેન્દ્ર પાડવામાં આવ્યું હતું. તેઓ પોંડિચોરીના શ્રી અરબિન્દો, શ્રી રમણ મહર્ષિ અને પાલિતાણામાં જૈન આચાર્યોને મળ્યા અને તેમનું માર્ગદર્શન મેળવ્યું.
તેમણે ભારતના સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવાનો પ્રયાસ કર્યો. સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધીજીને પણ મળ્યા, પણ આખરે તેમણે અધ્યાત્મ જીવનમાં ઝંપલાવ્યું. 20 વર્ષની વયે ગ્રેજ્યુએટ થયા બાદ જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરવા પિતાજીની રજા માગી અને થોડા મહિના બાદ માતા-પિતા અને પુત્ર ત્રણેએ દીક્ષા લીધી. પિતાના કાળધર્મ બાદ તેમણે `િચત્રભાનુ'ના નામથી અખબારોમાં લખવાનું શરૂ કર્યું. એ બાદ તેમણે મુંબઈમાં `વેજિટેરિયન સોસાયટી'ની સ્થાપના કરી હતી.
1970માં જીનિવામાં `િસ્પરિચ્યુઅલ સમિટ કોન્ફરન્સ'માં ભાગ લેવાનું તેમને આમંત્રણ મળ્યું અને એમાં ભાગ લેવાનો તેમણે નિર્ણય કર્યો. એ બાદ તેમણે ફ્રાન્સ, યુકે, અમેરિકા, આફ્રિકાનો બહોળો પ્રવાસ કર્યો. વિશ્વભરમાં મૈત્રીભાવ અને અહિંસાનો સંદેશો ફેલાવ્યો.
જૈન મુનિપદ છોડયા બાદ 1971માં તેમણે પ્રમોદાજી સાથે ગાંધર્વવિવાહ કર્યા. તેમનાં બે સંતાનો થયાં. મોટા પુત્રનું નામ રાજીવ અને નાનાનું નામ દર્શન. વિખ્યાત જૈન ચિંતક અને સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ તેમના વિશે લખ્યું છે કે જૈન ધર્મ વિશેની એમની લગની અને દૃઢતા બન્ને બેમિસાલ હતા. તેમણે મહાત્મા ગાંધીજીના પ્રભાવે અહિંસા, સાદાઈ અને સત્યનિષ્ઠા અપનાવ્યા અને ભગવાન મહાવીરના અહિંસાના સિદ્ધાંતને માત્ર પ્રવચનોથી નહીં બલકે જીવંત આચરણથી વિશ્વમાં ઉજાગર કર્યા. અહિંસાની સાથેસાથે અનિવાર્ય એવી આત્મખુમારીનો અનુભવ એમના જીવનમાંથી પદેપદે થતો રહ્યો.
પૂ. ચિત્રભાનુજીએ કોઈ પંથ કે સંસ્થા સાથે બંધાઈ જવાને બદલે પોતાની મુક્ત અને વૈશ્વિક વિચારધારાથી ભગવાન મહાવીરનો માનવને સાચો માનવ બનાવતો સંદેશ સર્વત્ર ફેલાવ્યો. અમેરિકામાં `જૈના' અને બીજી ઘણી સંસ્થાઓને પ્રેરણા આપી.
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતા દિલીપ વ. શાહ લિખિત પુસ્તક `યુગપુરુષ ચિત્રભાનુજી'નું વિમોચન ગત ફેબ્રુઆરીમાં મુંબઈમાં થયું હતું. દિલીપ શાહે તેમના પુસ્તકમાં લખ્યું છે કે ચિત્રભાનુજી અમેરિકામાં ઘણા બધા સંઘની રચનામાં કારણભૂત હતા, પરંતુ 50 વર્ષ પહેલાં વેજિટેરિયન સોસાયટીની સ્થાપના થઈ એ સંસ્થા સિવાય તેમણે કોઈ પણ સંસ્થામાં નેતૃત્વ કે વહીવટની દોર પોતાના હાથમાં લીધી નહોતી. `જૈના' એ તેમની દૃષ્ટિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેઓ ખાલી હાથે અમેરિકા આવ્યા પણ બે વર્ષ કરતાં ઓછા સમયમાં વક્તવ્યો આપીને જે ભંડોળ એકઠું કર્યું હતું તેમાંથી અમેરિકામાં જૈનોને પ્રાર્થના કરવા માટેનું સર્વપ્રથમ સ્થળ સ્થાપ્યું. તેમણે પ્રવચન આપવા કે કોઈ નવા દેરાસરની શરૂઆત સમયે કોઈ પણ જૈન સંસ્થાન પાસેથી ક્યારે પણ આર્થિક મદદ કે વળતર લીધા નહોતા.
આમ જૈન ધર્મના વિશ્વભરમાં પ્રસાર-પ્રચાર કરનારો સિતારો આજે આથમી ગયો.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer