ફરીથી ભાજપની સરકાર ચૂંટાશે તો વેપારીઓને ગેરંટી વગર પચાસ લાખની લોન

ફરીથી ભાજપની સરકાર ચૂંટાશે તો વેપારીઓને ગેરંટી વગર પચાસ લાખની લોન
ક્રેડિટ કાર્ડ અને પેન્શન : વડા પ્રધાન 

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા.19 : કેન્દ્રમાં ફરીથી ભાજપના વડપણ હેઠળની સરકાર આવશે તો કોઇ પણ જાતની સિક્યોરિટી કે ગેરંટી અથવા બાયેંધરી (કોલેટરલ) વગર નાના-મોટા તમામ વેપારીઓને પચાસ લાખ રૂપિયા સુધીની લોન, ક્રેડિટ કાર્ડ અને પેન્સન સ્કીમ સહિતની સુવિધાઓ આપવામાં આવશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં દેશભરના વેપારી અસોસિયેશનોની સભામાં જાહેર કર્યું હતું. હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે એના પ્રચાર અંતર્ગત દેશભરના વેપારી પ્રતિનિધિઓની સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે મારી સરકાર વેપારીઓની પડખે મજબૂત ચટ્ટાનની જેમ ઉભી છે જ્યારે અગાઉની કૉંગ્રેસની સરકારોએ વેપારીઓને ચોર કહીને હંમેશા અપમાનિક કર્યા છે. કેન્દ્રમાં અમારી સરકારે દેશમાં વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પાંચ વર્ષમાં 1,500 જેટલા જરી-પૂરાણા, વેપાર અને વેપારીઓ માટે અવરોધરૂપ કાયદાઓ રદ કર્યા છે અને દેશમાં સરળતાથી વ્યવસાય કરી શકાય એવું વાતાવરણ નિર્માણ કર્યું છે. વેપારીઓ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે પરંતુ ભૂતકાળમાં વેપારી વર્ગને આવું સન્માન ક્યારેય નથી મળ્યું. ઇઝ અૉફ ડુઇંગ બિઝનેસની અમારી નીતિથી દેશનું અર્થતંત્ર આજે સડસડાટ ગતિથી આગળ વધી રહ્યું છે, તે વેપારી વર્ગ વગર શક્ય નથી. અમે વેપારી વર્ગ સાથે હંમેશા રહ્યા છીએ એ દેશે જોયું છે. વડા પ્રધાને કહ્યું હતું કે વેપારી વર્ગની આકરી મહેનતના કારણે આજે દેશ પ્રગતિના પંથે છે. વેપારીઓ મોસમ વિજ્ઞાની જેવા હોય છે જે દેશની રાજકીય હવા પારખી શકે છે કે કોણ વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપી શકે છે.
કૉંગ્રેસની ટીકા કરતા વડા પ્રધાને કહ્યું હતું કે છેલ્લા 70 વર્ષમાં કૉંગ્રેસના સત્તાકાળમાં વેપારીઓનું અપમાન જ થયું છે. દેશના અર્થતંત્રમાં વેપારી વર્ગના સિંહ ફાળાની નોંધ લેવાના બદલે હંમેશા કૉંગ્રેસની સરકારોએ વેપારીઓને ચોર જ કહ્યા છે. મોદીએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી પણ વેપારી સમૂદાય વણિક હતા છતાં કૉંગ્રેસે હંમેશા દેશના વેપારીઓનું અપમાન જ કર્યું છે. 
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer