ઇ-સિગરેટ, હુક્કા પર પ્રતિબંધ

મુંબઈ, તા. 20 : હુક્કા અને ઈ-સિગરેટને લીધે યુવાનોમાં કૅન્સરનું પ્રમાણ સતત વધી રહ્યું હોઈ રાજ્યમાં હવે તેમનાં વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટેશન (એફડીએ)એ ઇ-સિગરેટ વેચનારા સામે કડક કારવાઈ કરવાનો આદેશ આપ્યો છે.
આ પદાર્થોનો ઔષધની કેટેગરીમાં સમાવેશ નહીં કરાવાથી તેના પર પ્રતિબંધ લાદવા સામે એફડીએ સમક્ષ ટેક્નિકલ વિમાસણ હતી. આ સંદર્ભમાં તેણે કેન્દ્રીય ઔષધ નિયંત્રક સમિતિ સાથે પત્રવ્યવહાર કર્યો હતો. ઇ-સિગરેટમાં નિકોટીન હોય છે.
ઇ-સિગરેટ તેમ જ હુક્કા અને તેની સમકક્ષ ઉત્પાદનોના વેપારીઓએ આ ચીજો આરોગ્ય માટે ઘાતક નહીં હોવાનું કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. પરંતુ તેમની દલીલને ફગાવી દઈ સામાન્ય આરોગ્યનો મુદ્દો વધુ મહત્ત્વનો હોવાની સ્પષ્ટતા કરી હતી.
તાતા હૉસ્પિટલના કૅન્સર નિષ્ણાત ડૉ. પંકજ ચતુર્વેદીએ પણ આ ગંભીર બાબત હોવાની સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જ્યારે એફડીએના કમિશનર ડૉ. પલ્લવી દરાડેએ સુધ્ધાં યુવાનોમાં આ વ્યસન ઘર કરી ગયું હોઈ તેની સામે કડક કારવાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ઇ-સિગરેટ, વેપ, ઇ-નિકોટીનવાળા હુક્કા અને તેમાં મોજૂદ અન્ય ઘટકો આરોગ્યને ભારે નુકસાન કરતાં હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવા ઉપરાંત સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમયથી શહેર અને કૉલેજના વિદ્યાર્થીઓમાં ઈ- સિગરેટ અને હુક્કા પીવાનું?ભારે પ્રમાણમાં થતું હોઈ તે વાલીઓ માટે ભારે ચિંતાનો વિષય બન્યો હતો અને હવે પ્રતિબંધથી તેઓ રાહત અનુભવી રહ્યા છે.

Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer