મોદીની પહેલથી બે લાખ લોકો કરશે હજ

મોદીની પહેલથી બે લાખ લોકો કરશે હજ
નવી દિલ્હી, તા. 20 : મુસ્લિમોની સૌથી પવિત્ર ગણાતી હજયાત્રા પર હવે ભારતના બે લાખ મુસલમાનો જઈ શકશે. તેમાં `મેહરમ' (પુરુષ સગા) સિવાયની 2340 મહિલાઓ પણ સામેલ થશે. સાઉદી અરેબિયાએ ભારત સરકારની પહેલ પર ભારતના હજ ક્વોટામાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ગઈકાલે કરાઈ હતી. આ જાહેરાતને મુસ્લિમ સમાજે વધાવી લીધી છે અને સમાજમાં હર્ષનું વાતાવરણ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના હજ ક્વોટામાં આ ત્રીજી વખત કરાયેલો વધારો હોઈ હવે ઇસ્લામિક દેશ પાકિસ્તાન કરતાં પણ ભારતના વધુ લોકો હજયાત્રા કરી શકશે.
સરકારી સૂત્રોનું માનવામાં આવે તો સાઉદીએ ભારતનો હજ ક્વોટા વધારવાની મંજૂરીની ભારતને જાણ કરી દીધી છે. હજ ક્વોટા હવે 1.75 લાખથી વધારી બે લાખ કરવામાં આવ્યો છે. આ મુદ્દો તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સમક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો અને તેમણે તત્કાળ આ ક્વોટા બે લાખ સુધી વધારવાનું આશ્વાસન આપ્યું હતું.
નવી સરકાર આવ્યા બાદ સર્વપ્રથમ 2017માં હજ ક્વોટા 1.70 લાખ કરાયો હતો. ત્યાર બાદ 2018માં તે વધારી 1.75 લાખ થયો હતો છતાં ભારે માગને કારણે આ ક્વોટા ઓછો પડતો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer