અંધેરી, ગોરેગાંવ, મુલુન્ડ, વર્સોવા પાવરકટથી પરેશાન

અંધેરી, ગોરેગાંવ, મુલુન્ડ, વર્સોવા પાવરકટથી પરેશાન
મુંબઈ, તા. 20 : કાળઝાળ ગરમી પડી રહી છે ત્યાં છેલ્લાં બે સપ્તાહથી મુલુન્ડ, વિક્રોલી, થાણે, અંધેરી, લોખંડવાલા, ગોરેગાંવ અને વર્સોવા જેવાં ઉપનગરોમાં કોઈ પણ સૂચના આપ્યા વિના કરાયેલા વીજકાપથી મુંબઈગરામાં નારાજગી પ્રવર્તી છે. આ વીજકાપ ક્લાકથી માંડી ક્યારેક દિવસમાં પાંચ કલાક સુધીનો હોય છે. મોટા ભાગની વીજ કંપનીઓએ આની પાછળનું કારણ શહેરમાં ચાલી રહેલાં મેટ્રો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો હોવાનું જણાવ્યું છે.
આ વિસ્તારોને અલગ અલગ વીજ કંપનીઓ વીજપુરવઠો કરે છે. વિક્રોલી, મુલુન્ડ અને થાણે જેવાં પૂર્વનાં ઉપનગરોમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિ. (મહાવિતરણ) વીજ પુરવઠો કરે છે. અહીં અડધાથી એક કલાક સુધી પુરવઠો ખોરવવાનો હોઈ તાંબેનગર મુલુન્ડમાં રહેતા મિહીર પાલણે કહ્યું હતું કે ગત સપ્તાહે એક જ દિવસમાં પાંચ વખત વીજ પુરવઠો ખોરવાયો હતો અને દરેક ઉનાળે આવી જ સ્થિતિ પ્રવર્તતી હોય છે.
મુલુન્ડના એક અન્ય રહેવાસી પૂજા વેંકટે કહ્યું હતું કે અમારે ત્યાં મંગળ અને બુધવારે અડધો કલાક પાવરકટ કરવામાં આવ્યો હતો.
જોકે મહાવિતરણના પ્રવક્તા પી. એસે. પાટીલે આ વિસ્તારોમાં કોઈ લોડશેડિંગ નહીં હોવાનો દાવો કર્યો હતો. તે સ્થાનિક ટેક્નિકલ સમસ્યા હોઈ શકે છે. શહેરમાં ક્યાંય લોડશેડિંગ નથી. મહાવિતરણના એક અધિકારીએ હાલ ચાલી રહેલાં મેટ્રોના કામથી સંભવત: ક્યાંક કેબલને નુકસાન થયું હોય તો વીજકપાત કરાઈ હશે, એમ જણાવ્યું હતું.
લોખંડવાલા, ગોરેગામ અને વર્સોવામાં અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ. વીજપુરવઠો કરે છે. વર્સોવાના રહીશ સાવન દત્તાએ જણાવ્યું હતું કે `ગત સપ્તાહે અમને દરરોજ પાવરકટ નડયો હતો. જ્યારે ગુરુવારે બપોરે એ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો હતો.'
એક અન્ય રહેવાસી ધવલ શાહે પણ કહ્યું હતું કે મેટ્રોના કામને લીધે આ વીજકપાત કરાતી હોવી જોઈએ.
દરમિયાન અદાણી કંપનીના પ્રવક્તાના જણાવવા મુજબ ફેબ્રુઆરી અને માર્ચમાં તેમનો સરેરાશ ઉપલબ્ધ ઇન્ડેક્સ અનુક્રમે 99.99 ટકા અને 99.98 ટકા રહ્યો હતો.
જોકે અમુક વિસ્તારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનને કારણે પાવર કટનો સામનો કરવો પડયો હતો. આ બાબત નિવારવા અમે કેબલ પેટ્રોલિંગ માટેની સમર્પિત ટીમો તહેનાત કરી છે.

Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer