અર્થતંત્ર વિશે ચિંતાથી સોના-ચાંદીમાં સુધારાની ચાલ

અર્થતંત્ર વિશે ચિંતાથી સોના-ચાંદીમાં સુધારાની ચાલ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.25 : રોકાણકારોએ શોર્ટ પોઝિશનો કવર કરવાની શરૂઆત કરતા સોનામાં સુધારો હતો. ન્યૂ યોર્કમાં સોનું 1278 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું હતું. દુનિયાના મોટાં અર્થતંત્રોમાં આર્થિક વિકાસ આડે ફરી ચિંતાના વાદળો ઘેરાતા સોનું ચાર મહિનાની નીચી સપાટીએથી વધવા લાગ્યું છે. જર્મન તથા દક્ષિણ કોરિયાના આર્થિક આંકડાઓએ ફરી વૈશ્વિક અર્થતંત્ર આડે ચિંતા વધારી છે. શૅરબજારોમાં પણ મંદી હોવાને લીધે સોનામાં રોકાણ આવ્યું હતું.
કેપિટલ ઇકોનોમિક્સના વિશ્લેષક રોસ સ્ટ્રાચન કહે છે, બુલિયન બજાર ખરેખર તો મોટાં ડેવલપમેન્ટની રાહ જોઇ રહી છે. અમેરિકાના જીડીપી ડેટાની જાહેરાત શુક્રવારે થવાની છે. જે 2.1 ટકા જેટલો રહે તેવી અટકળો છે. ચાલુ સપ્તાહમાં સોનું ચાર મહિનાના નીચલાં 1265 ડૉલરના તળિયે ગયું હતું. જોકે, એ પછી સુદારો છે. સોનાની 200 દિવસની મૂવિંગ એવરેજ 1251 ડૉલરની છે.
યુ.એસ. કૉમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનના આંકડાઓ પ્રમાણે સટ્ટોડિયાઓ શોર્ટપોઝિશનો રાખવા લાગ્યા છે. મોટી તેજી તત્કાળ આવવાની નથી એવું સ્પષ્ટ થાય છે. એસપીડીઆર ગોલ્ડ ફંડની અનામતોમાં બુધવારે નજીવો ઘટાડો થતા 747.87 ટન પર પહોંચી હતી. અનામતો અૉગસ્ટ 2019 પછીની સૌથી નીચી સપાટીએ છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 230ના સુધારે રૂા. 32,850 અને મુંબઈમાં રૂા. 271 વધીને રૂા. 31923 હતો. ચાંદી ન્યૂ યોર્કમાં 14.84 ડૉલર હતી. સ્થાનિકમાં એક કિલોએ રૂા. 50 વધી રૂા. 38,000 અને મુંબઈમાં રૂા. 325 વધીને રૂા. 37,360 હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer