મારુતિનો ત્રિમાસિક નફો પાંચ ટકા ઘટીને રૂા.1796 કરોડ

મારુતિનો ત્રિમાસિક નફો પાંચ ટકા ઘટીને રૂા.1796 કરોડ
નવી દિલ્હી, તા.25 : મારુતિ સુઝુકી ઇન્ડિયાનો માર્ચ અંતના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂા.1795.6 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂા.1,882.1 કરોડની સરખામણીએ 4.6 ટકા ઓછો છે. કંપનીએ વર્ષ 2018-19 માટે પ્રતિ શૅર રૂા.80ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. 
સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની કામકાજની કુલ આવક રૂા.21,459.4 કરોડ હતી, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂા.21,165.6 કરોડની સરખામણીએ 1.4 ટકા વધુ છે. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2018-19 માટે કંપનીનો સ્ટેન્ડએલોન ધોરણે ચોખ્ખો નફો રૂા.7,500.6 કરોડ હતો, જે તે પહેલાના વર્ષની સરખામણીએ 2.9 ટકા ઓછો છે.
કોન્સોલિડેટેડ ધોરણે સંપૂર્ણ વર્ષ માટે કંપનીની કુલ આવક રૂા.88,630.1 કરોડ હતી, જે પાછલા વર્ષે રૂા.84,086.9 કરોડ હતી. ચોખ્ખો નફો રૂા.78,807 કરોડથી ઘટીને રૂા.7650.6 કરોડનો થયો છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીનું કુલ વેચાણ 0.7 ટકા ઘટીને 4,58,479 યુનિટ્સ હતું. કંપનીએ કહ્યું કે, સૂચિત ત્રિમાસિક ગાળામાં વિદેશી વિનિમય દરની પ્રતિકૂળ અસર, જણસોના ભાવમાં વધારો, રૂપિયાનું ડૉલર સામે અવમૂલ્યન અને વેચાણ માટેના પ્રમોશનનો ઊંચો ખર્ચને અૉફસેટ કરવામાં આવ્યો હતો. કંપનીનો કાચો નફો (ઈબિટડા) વાર્ષિક ધોરણે 25 ટકા ઘટીને રૂા.2,263.4 કરોડ થયો હતો. ત્રિમાસિક ગાળામાં ઈબિટડા માર્જિન 360 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 10.6 ટકા થયો હતો. 
સંપૂર્ણ નાણાકીય વર્ષમાં કંપનીનું સ્થાનિક બજારમાં વેચાણ 6.1 ટકા વધીને 1,753,700 યુનિટ્સનું હતું. આમાં પેસેન્જર વાહનોનું વેચાણ 5.3 ટકા વધીને 17,29,826 યુનિટ્સ, એલસીવી (લાઈટ કમર્શિયલ વેહિકલ)નું વેચાણ 138 ટકા વધીને 23,874 યુનિટ્સનું હતું. નિકાસ 1,08,749 યુનિટ્સની હતી. 
કંપનીએ કહ્યું કે, આ વર્ષ મુશ્કેલ ભર્યું હતું કારણ કે, વિદેશી વિનિમય દરની વિપરીત અસર અને કૉમોડિટીના ભાવ વધ્યા હતા. ગુજરાતમાં બીજો એસએમજી પ્લાન્ટ શરૂ થતા ડેપ્રીશિયેશન ખર્ચ વધ્યો છે. એકંદર બજાર મંદ છે. પ્રમોશન પાછળ ખર્ચ કરતા વેચાણ વધ્યું છે. ખર્ચ ઘટાડાના પ્રયત્નના ભાગરૂપ આ અૉફસેટ કરવામાં આવ્યા હતા.
એપ્રિલ 2020થી ડીઝલ કારનું ઉત્પાદન બંધ કરશે
પ્રદૂષણનો નવો નિયમ એક એપ્રિલ, 2020થી ભારત સ્ટેજ-6નો અમલ થતાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિ. તેમની તમામ ડીઝલ કારનું ઉત્પાદન તબક્કાવાર બંધ કરશે. મારુતિના કુલ વેચાણમાં ડીઝલ કારનો હિસ્સો એક તૃતિયાંશ છે. ઉત્પાદન બંધ કરતા મારુતિના વેચાણ ઉપર અસર પડશે, એમ ચૅરમૅન આર સી ભાર્ગવે અગાઉ કહ્યું હતું. ગુરુવારે તેમણે કહ્યું કે, પહેલી એપ્રિલ, 2020થી અમે ડીઝલ કારનું વેચાણ કરીશુ નહીં. કંપનીની ધારણા છે કે ખરીદદારો ડીઝલને બદલે પેટ્રોલ, સીએનજી અને અન્ય ટેકનૉલૉજી ધરાવતા વાહનોને પ્રાધાન્ય આપશે.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer