ક્રૂડતેલનો ભાવ 75 ડૉલર પાર થતાં શૅરમાર્કેટમાં વેચવાલી

ક્રૂડતેલનો ભાવ 75 ડૉલર પાર થતાં શૅરમાર્કેટમાં વેચવાલી
એક્સ્પાયરી ડેટ અંતે નિફટી 84 પૉઈન્ટ ઘટીને 11642
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : એશિયન બજારમાં નિ:રસતા સાથે નબળાઈ અને ઈરાનથી તેલ આયાત પરના પ્રતિબંધની બેવડી અસરથી સ્થાનિક શૅરબજારમાં નબળાઈ આવી હતી. એપ્રિલ એફએન્ડઓની એક્સ્પાયરી અંતે એનએસઈમાં નિફટી ટ્રેડિંગ અંતે 84 પૉઈન્ટ ઘટીને 11642 બંધ હતો, જ્યારે બીએસઈ સેન્સેક્ષ 324 પૉઈન્ટ ઘટીને 38731 બંધ હતો. શરૂઆતના ટ્રેડમાં બજાર ઉપર ખૂલીને 11797ની ટોચે પહોંચ્યા પછી વેચવાલી વધી હતી. એફએન્ડઓની ઉઠાપટકને લીધે છેલ્લા કલાકમાં નિફટી ઝડપથી તૂટીને 11624 સુધી ઘટીને ટ્રેડ અંતે 11642ના સ્તરે બંધ આવ્યો હતો. અગાઉ રશિયાથી યુરોપને ક્રૂડતેલ આયાત પ્રતિબંધ લાગુ હતો. હવે ઈરાન ઉપર પ્રતિબંધ મૂકવાથી ક્રૂડતેલ વધુ મોંઘું થઈ પ્રતિ બેરલ 75 ડૉલર થતાં વૈશ્વિક બજારોમાં નવી નબળાઈ પ્રવેશી હોવાનું સ્થાનિક વિશેષજ્ઞો માને છે.
આજના તીવ્ર ઘટાડામાં માર્કેટ બ્રિધ નકારાત્મક રહેવાથી નિફટીના કુલ 38 શૅર ઘટવા સામે 12 શૅર સુધારે હતા. જ્યારે કુલ ટ્રેડેડ શૅરમાં 963 ઘટાડે અને 777 સુધારે બંધ હતા. ક્ષેત્રવાર ઈન્ડેક્ષમાં રીયલ્ટી સુધારે અને મેટલ 1.86 ટકા ઘટાડે રહ્યો હતો. જ્યારે બીએસઈ મિડકેપ ઈન્ડેક્ષ 88 અને સ્મોલકેપ 8 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.
વ્યક્તિગત શૅરમાં અલ્ટ્રાટેક સિમેન્ટના મજબૂત પરિણામની અસરથી શૅરનો ભાવ નવી ઊંચાઈએ રૂા. 4686 કવોટ થયો હતો. ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક., ટાઈટન, બજાજ ફીનસર્વ અને યુપીએલમાં નવા ઊંચા ભાવ આવ્યા હતા. જેની સામે માર્ચ, ત્રિમાસિક પરિણામમાં નફો પાંચ ટકા ઘટવાથી મારુતિ સુઝુકીનો શૅર રૂા. 111 ઘટયો હતો.
આજના તીવ્ર ઘટાડામાં અગ્ર ભાગે એચયુએલ રૂા. 19, ભારતી ઈન્ફ્રા રૂા. 31, આઈડિયા 3 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 17, એચડીએફસી બૅન્ક રૂા. 16, એક્સિસ બૅન્ક રૂા. 12, સનફાર્મા રૂા. 8, જેએસડબ્લ્યુ અને હિન્દાલ્કો અનુક્રમે રૂા. 6 અને રૂા. 4 ઘટાડે હતા. આઈસીઆઈસીઆઈ અને કોટક રૂા. 6 અને એસબીઆઈમાં રૂા. 4 ઘટાડો નોંધાયો હતો.
જ્યારે નોંધપાત્ર સુધારામાં અલ્ટ્રાટેક રૂા. 224, ગ્રાસીમ રૂા. 44, યુપીએલ રૂા. 17 અને ડૉ. રેડ્ડીસ રૂા. 66 વધ્યા હતા.
આગામી મહિનાની એફએન્ડઓ એકસ્પાયરી તારીખ અને લોકસભાની ચૂંટણીના 23 મેના રોજ જાહેર થનાર પરિણામ સાથે આવતાં હોવાથી રોકાણકારોએ સાવધાની વર્તી હોવાનું અનુમાન છે. મે મહિનામાં બજાર હવે ઘટાડાના ઝોક સાથે રેન્જ બાઉન્ડ રહેવાની સંભાવના વધી છે. માત્ર 11787 ઉપરના બંધ પછી નવી મજબૂત તેજીની સંભાવના બનશે, એમ એનલિસ્ટો માને છે.
એશિયન બજારો
ક્રૂડતેલના ભાવમાં થોડી પીછેહઠ છતાં જર્મની અને કોરિયાના અર્થતંત્રના નબળા અહેવાલથી એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્ષ 0.5 ટકા ઘટાડે હતો. જોકે, જપાનમાં નિફટીમાં 0.5 ટકા પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો. જપાન મધ્યસ્થ બૅન્કે વ્યાજદર અત્યંત નીચા જાળવી રાખતાં યેનમાં મજબૂતી હતી.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer