વર્ષ ''18-19માં ચોખાની વિક્રમી 4.5 કરોડ ટનની પ્રાપ્તિ થશે

વર્ષ ''18-19માં ચોખાની વિક્રમી 4.5 કરોડ ટનની પ્રાપ્તિ થશે
નવી દિલ્હી, તા. 25 : સરકાર પાસે ચોખાનો નોંધપાત્ર જથ્થો છે. સપ્ટેમ્બરમાં પૂરા થતા પ્રવર્તમાન પ્રાપ્તિ વર્ષમાં ચોખાની લગભગ 4.5 કરોડ ટનની વિક્રમી પ્રાપ્તિ થવાની ધારણા છે.
સરકારે ખરીફ સિઝનમાં ખેડૂતો પાસેથી 370 લાખ ટન કરતાં વધુ ચોખાની ખરીદી કરી છે અને રવિ પાકના ચોખાની ખરીદી 78 લાખ ટન જેટલી થવાનો અંદાજ સરકારી અધિકારીએ જણાવ્યો છે.
ગયા વર્ષે સરકારે ખેડૂતો પાસેથી કુલ 3.82 કરોડ ટન ચોખાની ખરીદી કરી હતી, જેમાંથી બાવન લાખ ટનની ખરીદી રવિ મોસમમાં કરી હતી. આ વર્ષે ચોખાનો વિપુલ પાક થયો હોવાથી કેન્દ્રીય સંગ્રહમાં તેલંગણા અને આંધ્ર પ્રદેશનો મોટો હિસ્સો હશે.
ટેકાના ભાવમાં તીવ્ર વધારો થયો હોવાની સાથે પાક વર્ષ 2018-19માં વિપુલ પ્રમાણમાં પાક થયો હોવાથી આ વર્ષે ચોખાની વિક્રમી પ્રાપ્તિ થશે. સામાન્ય વેરાયટીના ચોખાના ટેકાના ભાવ કેન્દ્ર સરકારે વધારીને 100 કિ.ગ્રા. દીઠ રૂા. 1750 કર્યા છે, જે અગાઉના વર્ષે રૂા. 1550 હતા. જ્યારે સારી વેરાયટીના ભાવ 100 કિ.ગ્રા.ના રૂા. 1590થી વધારીને રૂા. 1770 કર્યા છે.
પ્રવર્તમાન સિઝનમાં સરકારે ચોખાનો પાક ગયા વર્ષ કરતાં 2.4 ટકા વધુ 1156 લાખ કિ.ગ્રા. થવાનો અંદાજ મૂક્યો છે. સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા છે તેનાથી વધુ છત્તીસગઢની સરકારે 100 કિ.ગ્રા. દીઠ ચોખા પર રૂા. 750નું બોનસ જાહેર કર્યા બાદ પ્રાપ્તિમાં વેગ આવ્યો છે. ચોખાની પ્રાપ્તિ નવા સ્તરે સ્પર્શવાની સાથે સરકારને સંગ્રહની ચિંતા થઈ રહી છે.
પહેલી એપ્રિલના રોજ સરકાર પાસે 293.90 લાખ ટન જથ્થો હતો, જે આવશ્યક 135.80 લાખ ટનના બફર અને વ્યૂહાત્મક સંગ્રહ કરતાં બમણા કરતાં વધુ છે.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer