જીએસટી રિટર્ન નહીં ભરનાર વેપારીઓનાં ઈ-વે બિલ જનરેટ નહીં થાય

જીએસટી રિટર્ન નહીં ભરનાર વેપારીઓનાં ઈ-વે બિલ જનરેટ નહીં થાય
નવી દિલ્હી, તા.25 : જે વેપારીઓ જીએસટી રિટર્ન નહીં ભરે (નોન-ફાઈલર્સ) તેમનું 21 જૂનથી ઈ-વે બિલ પણ જનરેટ થશે નહીં, એમ નાણાં મંત્રાલયે જણાવ્યું છે.
સતત બે સમયગાળા સુધી ( છ મહિના) સુધી ટૅક્સ રિટર્ન ભરવામાં નહીં આવે તો જીએસટી કૉમ્પોઝીશન સ્કીમ અંતર્ગત ઈ-વે બિલ પણ જનરેટ થશે નહીં. નિયમ મુજબ કૉમ્પોઝીશન સ્કીમના કરદાતાઓ જે નિયમિત હોય પરંતુ કર રિટર્ન બે સમયગાળા માટે કર ભર્યો ન હોય તો તેમનું ઈ-વે બિલ પણ જનરેટ થશે નહીં. જીએસટી પ્રણાલીમાં બિઝનેસે દર મહિનાની 20મી તારીખ સુધીમાં માસિક ટૅક્સ રિટર્ન ભરવાનું હોય છે. જોકે, જે બિઝનેસ કૉમ્પોઝીશન સ્કીમનો વિકલ્પ પસંદ કરે તેમણે ત્રિમાસિક ધોરણે ત્રીજા મહિનાની 18 તારીખ સુધીમાં જીએસટી રિટર્ન ભરવાનું હોય છે. 
તેમ જ નાણાં મંત્રાલયે ઈ-વે બિલ પ્રણાલીમાં પણ ફેરફાર કર્યો છે. આ ફેરફારમાં અમુક અંતરે ઈ-વે બિલ જનરેટ કરવા માટે પીન કોડ અને સંખ્યાબંધ બિલોના સ્થાને એક જ ઈનવોઈસનો સમાવેશ છે. 
જીએસટીમાં ચોરી રોકવા માટે ઈ-વે બિલ પ્રણાલી 1 મે, 2018ના રોજ અમલમાં આવી હતી, જેમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં રૂા.50,000થી વધુની રકમના માલની હેરફેર માટે ઈ-વે બિલ જનરેટ કરવાનું હોય છે. આ નિયમ આંતર રાજ્યમાં પણ અમલમાં આવ્યો. જોકે, ઈ-વે બિલમાં પણ અમુક ખોટા કામ થતા હોવાથી મહેસૂલ વિભાગે ઈ-વે બિલ જનરેટ કરવાની પ્રણાલીમાં ફરી સુધારા કર્યા છે. 
નવી પ્રણાલી અંતર્ગત માલના હેરફેર માટેના અંતરની ગણતરી પીન કોડના હિસાબે અૉટોમેટિક થશે. ઈ-વે બિલ પોર્ટલના હિસાબે યુઝર તેના માલ પરિવહનનું અંતર નાખી શકશે, પરંતુ તેમાં ઓટો ગણતરીના અંતર હેઠળ માત્ર 10 ટકા જેટલા ફેરફાર કરવાની જ મર્યાદા છે. 
દાખલા તરીકે, એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર પીન કોડના હિસાબે પ્રણાલીમાં 655 કિલોમીટર થતું હોય તો એ પછી યુઝર 720 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે અને તેની નોંધ રિટર્નમાં કરી શકશે. (655 કિલોમીટર+65 કિલોમીટર).
ઉપરાંત એક ઈનવોઈસના આધારે વધુ ઈ-વે બિલ જનરેટ કરવા ઉપર પણ સરકારે અંકુશ રાખવાનો નિર્ણય લીધો છે. આનો મતબલ એક ઈનવોઈસ નંબર ઉપર ઈ-વે બિલ જનરેટ થશે તો અન્ય પાર્ટી (કન્સાઈનર, કન્સાઈની અથવા ટ્રાન્સપોર્ટર) અન્ય ઈ-વે બિલ તે જ ઈનવોઈસ બિલના આધારે જનરેટ કરી શકશે નહીં. 
નવું ફીચર ઈ-વે બિલની વેલિડિટીમાં વધારો કરવાની મંજૂરી આપશે. નેશનલ ઈર્ન્ફોમેટિક સેન્ટર દ્વારા ઈ-વે બિલ પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યું હતું. રૂા.50,000થી વધુના માલની હેરફેર માટે ટ્રાન્સપોર્ટ્સે ઈ-વે બિલ જીએસટી ઈન્સ્પેક્ટરને તપાસવું પડે છે. જો ઈ-વે બિલ ન હોય તો રૂા.10,000નો દંડ ભરવો પડે છે.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer