ત્રીજા તબક્કા સુધીમાં જ તુટયા તમામ રેકર્ડ 742 કરોડ રૂપિયા રોકડ જપ્ત

નવી દિલ્હી, તા. 26: લોકસભા ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે અને ત્રીજા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેવામાં આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલામાં ચૂંટણી પંચ કડક કાર્યવાહીમાં જોતરાઈ ગયું છે. ચૂંટણી પંચે અત્યારસુધીમાં 3152 કરોડ રૂપિયાની સંદિગ્ધ રોકડ, દારૂ,  ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત ક્રયો છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે 24 એપ્રિલ સુધી આચાર સંહિતા ભંગ માટે થયેલી કાર્યવાહીમાં 742 કરોડ રૂપિયા તો રોકડ જ જપ્ત થયા છે. આ સાથે જપ્ત કરાયેલા સામાનમાં ડ્રગ્સની કિંમત પણ સૌથી વધુ છે. જેનું મૂલ્ય 1180 કરોડ રૂપિયા જેટલું થાય છે. 
2014માં લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ તરફથી જેટલાં મૂલ્યની રોકડ અને સામગ્રી જપ્ત કરવામાં આવી હતી તેનાથી 2019ની લોકસભા ચૂંટણીનો આંકડો ખૂબ ઉંચો છે. ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 24 એપ્રિલ સુધી કરવામાં આવેલી કાર્યવાહીમાં 742.28 કરોડ રૂપિયા રોકડ, 1180.79 કરોડનું ડ્રગ્ઝ, 238.878 રૂપિયાનો દારૂ, 942.959 કરોડ રૂપિયાની કિંમતી ધાતુ અને 47.637 રૂપિયાની અન્ય વસ્તુઓ સામેલ છે. જેમાં માત્ર ગુજરાતમાંથી 524 કરોડ રૂપિયાનું ડ્રગ્ઝ મળી આવ્યું હતું. જ્યારે સૌથી વધુ રોકડ તમિલનાડુમાંથી જપ્ત કરવામાં આવી હતી.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer