આપનો ચૂંટણી ઢંઢેરો જારી મોદી સિવાય કોઈને પણ ટેકો કેજરીવાલ

નવી દિલ્હી, તા. 25 : આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં ઘોષણાપત્ર જારી કરતાં અનેક વચનો આપ્યા હતા. આ અવસરે પત્રકાર પરિષદને સંબોધતાં આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાય કોઈને પણ સમર્થન આપવા તૈયાર છીએ.
કેજરીવાલે ઘોષણાપત્રનું એલાન કરતાં શિક્ષણ, સ્વાસ્થ્ય, મહિલા સુરક્ષા, પ્રદૂષણ, પરિવહન સહિતના ક્ષેત્રો માટે અનેક વચનો આપ્યા હતા.
જોકે, તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ તમામ વચનો દિલ્હી પૂર્ણ કદનું રાજ્ય બન્યા પછી પૂરાં થશે. આ ચૂંટણી પણ કોઈને વડાપ્રધાન બનાવવા માટે નહીં, પરંતુ દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવા લડી રહ્યા છે.
મોદી, શાહની જોડી સિવાય કોઈને પણ સમર્થન આપવા તૈયાર છું, તેવું કહેતાં કેજરીવાલે ઉમેર્યું હતું કે, તેના બદલામાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ઈચ્છું છું.
દિલ્હી પૂર્ણ રાજ્ય બન્યા પછી કરાર પરના તમામ કર્મચારીને એક જ અઠવાડિયામાં કાયમી કરવા સાથે દિલ્હીના મતદારોને નોકરીઓમાં 85 ટકા અનામત, કેલેજોમાં દિલ્હીના બાળકો માટે 85 ટકા અનામત સહિતના વચનો તેમણે આપ્યા હતા.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer