મલબાર હિલની બહુમાળી બિલ્ડિંગની લીઝ રદ થવાનો તોળાતો ખતરો

મુંબઈ, તા. 25 : સિટી કલેક્ટર મલબાર હિલ પરની એક બહુમાળી બિલ્ડિંગનું લીઝ રદ કરવાની વેતરણમાં છે. જેમાં તેણે 1981ના રિડેવલપમેન્ટ દરમિયાન 21 માળનું ટાવર બાંધવાની રાજ્ય સરકારની મંજૂરીની લીઝનું ઉલ્લંઘન કર્યું હતું.
સિટી કલેક્ટર શિવાજીરાવ જોંધળેએ જણાવ્યું હતું કે 21 માળ અને 42 ફ્લૅટ ધરાવતી ઇન્ફિનિટી ટાવર્સને પહેલાં જ નોટિસ જારી કરાઈ છે જેમાં 2015થી 17 પરિવારો રહે છે અને જેમણે લીઝની શરતોનું વિવિધ પ્રકારે ઉલ્લંઘન કર્યું છે.
સરકારનું અત્યારનું વલણ એવું છે કે જો તેમણે લીઝની શરતોનું ઉલ્લંઘન કર્યું હોય તો અમે વર્તમાન રેડી રેકનરની માર્કેટ વૅલ્યૂના ત્રણ ટકા લગાડી તેને રેગ્યુલરાઇઝ કરી શકીએ છીએ. હાલની માર્કેટ વૅલ્યૂ મુજબ તેમણે આ દંડ ભરવો પડશે. અમે 999 વર્ષની લીઝ મુદતનો અંત લાવી પેનલ્ટી ચાર્જ કરીશું.
લીઝની શરતો મુજબ મર્યાદિત બાંધકામ કરવા દેવાશે તેમ જ સોસાયટીને કેવળ 50 ટકા પ્લૉટ પર બાંધકામ કરવા દઈ બાકી 50 ટકા ખુલ્લો મુકાશે, એમ તેમણે જણાવ્યું હતું.
જોંધળેએ વધુમાં જણાવ્યું હતું કે 2012ની નવી લીઝ રેન્ટ પૉલિસી મુજબ સોસાયટીએ જૂના વાર્ષિક રૂા. 500ના દરની તુલનામાં તેમણે વાર્ષિક રૂા. 30 લાખ જેવી જંગી રકમ આપવાની રહેશે.
`અમે કેસની સુનાવણી કરીશું અને લીઝ રદ કરીશું' એમ જોંધળેએ કહ્યું હતું. ત્યારે બીજી તરફ ઇન્ફિનિટી ટાવર્સના ચૅરમૅન સુરેશ દેવરાએ જણાવ્યું હતું કે તેઓની સોસાયટી આ સંબંધમાં કાનૂની માર્ગ અપનાવશે.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer