આજે નરેન્દ્ર મોદીની મુંબઈમાં સભા, રાહુલ ગાંધી સિન્નરમાં પ્રચાર કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનો ચોથો અને અંતિમ તબક્કો 29 એપ્રિલે યોજાશે અને આ તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે હવે માત્ર ત્રણ દિવસનો સમય બાકી છે ત્યારે રાજ્યમાં પ્રચારના પડઘમ એકદમ પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે. ચૂંટણીપ્રચાર મર્યાદા 27 એપ્રિલના સાંજે 5.30 સુધીની છે.
આ અંતિમ તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી બન્ને મહારાષ્ટ્રમાં આવશે. બન્ને દિગ્ગજ નેતા શુક્રવારે રાજ્યમાં જાહેરસભા સંબોધશે.
નરેન્દ્ર મોદી શુક્રવારે (આજ) સાંજે મુંબઈમાં બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેકસ ખાતે એક પ્રચારસભાને સંબોધશે, જ્યારે રાહુલ ગાંધી બરાબર એ જ સમયે નાશિક જિલ્લામાં સિન્નર ખાતે સભાને સંબોધશે.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી નાગપુર, વર્ધા, ચંદ્રપુર, નાંદેડ ખાતે જાહેરસભાને સંબોધી ચૂક્યા છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પુણેમાં કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સવાલ-જવાબનો કાર્યક્રમ પણ યોજેલો.
રાહુલ ગાંધી ગુરુવારે મુંબઈના છએ છ મતદાર સંઘમાં રોડ શો કરવાના હતા, પણ એ રોડ શો છેલ્લી ઘડીએ કેન્સલ ક્રાયો 
હતો. રોડ શોને કારણે ટ્રાફિક જામ થશે અને લોકોને અડચણ પડશે એવું કારણ આપી રોડ શો રદ કરાયો છે.
કૉંગ્રેસ મોવડીમંડળે મુંબઈ અને મહારાષ્ટ્રને પ્રચારમાં મહત્ત્વ કેમ આપ્યું નથી એવા સવાલના જવાબમાં મુંબઈ કૉંગ્રેસના પ્રમુખ મિલિન્દ દેવરાએ કહ્યું હતું કે આ વાત સાચી નથી. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસનું અસ્તિત્વ જબરદસ્ત છે અને કૉંગ્રેસના અમુક વગદાર નેતાઓ રાજ્યમાં પ્રચાર માટે આવ્યા હતા. એ ઉપરાંત કૉંગ્રેસના પ્રમુખ મહારાષ્ટ્ર પર બારીક નજર રાખી રહ્યા છે અને અમારા માર્ગદર્શન માટે પીઢ કૉંગ્રેસી મલ્લિકાર્જુન ખડગેને રાજ્યનો હવાલો પણ સોંપ્યો છે. એ ઉપરાંત કૉંગ્રેસની નેતાગીરી સાથે સતત મિટિંગો પણ થાય છે.
બીજી તરફ ભગવી મૂર્તિની સભા શુક્રવારે (આજે) બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેકસના એમએમઆરડીએના ગ્રાઉન્ડમાં યોજાશે અને આ સભાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ સંબોધશે.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer