CBIએ દાનવેના વિજયની આગાહી કરી

CBIએ દાનવેના વિજયની આગાહી કરી
આપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી
 
અમારા પ્રતિનિધિ તરફથી
ઔરંગાબાદ, તા. 25 : રાજ્ય ભાજપના વડા રાવસાહેબ દાનવેએ જાલના લોકસભાની બેઠક પર પોતે 2.6 લાખ કરતાં વધુ મતોથી વિજય મેળવશે એવી સીબીઆઈએ આગાહી કરી હોવાના કરેલા વિવાદાસ્પદ નિવેદન પર આમ આદમી પાર્ટી (આપ)ના જાલના એકમે દાનવે વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.
દાનવેએ 20મી એપ્રિલે તેમના વતન જાલનામાં ચૂંટણી પ્રચારના ભાગરૂપે વેપારીઓની સભાને સંબોધતાં આ નિવેદન કર્યું હતું. તેમના ભાષણની વીડિયો દર્શાવે છે કે દાનવેએ સીબીઆઈ રિપોર્ટનો હવાલો આપી પોતે ઔરંગાબાદ અને જાલનામાં `ફેવરિટ' ઉમેદવાર હોવાનો દાવો કર્યો હતો.
`સિલોદ કે જ્યાં મારા મતોની સરસાઈ પ્રમાણમાં ઓછી રહે છે ત્યાં પણ મને 68 ટકા મત મળશે જ્યારે કૉંગ્રેસને ફક્ત 28 ટકા વોટ મળશે. હું કોઈ પણ તાલુકામાં મતોની રૂએ પાછળ નથી. એકંદર ગણતરી કરતાં હું 2.6 લાખ કરતાં વધુ મતોથી જીત મેળવીશ' એમ તેમણે જણાવ્યું હતું.
દરમિયાન ચૂંટણી પંચને લખેલી ફરિયાદમાં `આપ'એ ચૂંટણીપ્રચાર દરમિયાન દેશની ટોચની તપાસ એજન્સીનો દુરુપયોગ કરવા બદલ વાંધો ઉઠાવ્યો હતો. સીબીઆઈ ચૂંટણીનાં પરિણામોની આગાહી અકરે છે એવું કહી દાનવે લોકોના મનમાં સીબીઆઈ અંગે ખોટી છાપ ઊભી કરી રહ્યા છે. વધુમાં જો તે સાચું હોય કે સીબીઆઈએ આવો સર્વે કર્યો છે તો સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કારવાઈ થવી જોઈએ, એમ `આપ'એ ફરિયાદમાં જણાવ્યું હતું.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer