પ્રિયંકાની ઉમેદવારી વિશેની અટકળો પર પૂર્ણવિરામ

પ્રિયંકાની ઉમેદવારી વિશેની અટકળો પર પૂર્ણવિરામ
વારાણસીમાં મોદીની સામે કૉંગ્રેસના ઉમેદવાર ફરી એક વખત અજય રાય
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 25 : લોકસભાની આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વડરા વારાણસી ખાતેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે ઊભાં રહેશે નહીં. કૉંગ્રેસે આજે વારાણસીમાં તેના ઉમેદવાર તરીકે 2014માં આ બેઠક પર ત્રીજા આવેલા અજય રાયને ફરીથી તક આપી છે. 2014માં અજય રાયે ઘણો જ કંગાળ દેખાવ કર્યો હતો અને તેમને માત્ર 75,000 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ બીજા સ્થાને રહ્યા હતા. તેમને બે લાખ કરતાં વધુ મત મળ્યા હતા.
કૉંગ્રેસે કદાચ પ્રિયંકા ગાંધીને વાયનાડ કે અમેઠી ખાતેથી અનામત ઉમેદવાર તરીકે જાળવી રાખ્યા છે. રાહુલ ગાંધી આ બેઠક પર વિજય મેળવીને પછી તેને ખાલી કરે એવી કૉંગ્રેસની ગણતરી છે.
વારાણસી ખાતે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો યોજ્યો એ જ દિવસે કૉંગ્રેસ તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી.
ગાંધી પરિવારે પ્રિયંકા ગાંધીની ભાવિ કારકિર્દીને નજર સમક્ષ રાખીને મોટા માર્જિનથી હારનો ખતરો ભાળીને આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. બીજું સપા-બસપાએ વારાણસી પર સંયુક્ત ઉમેદવાર ઊભો રાખવાની જાહેરાત કર્યા બાદ પ્રિયંકાની જીતવાની તક ધૂંધળી બની ગઈ હતી. સમાજવાદી પાર્ટીએ વારાણસી ખાતેથી વિપક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસના ભૂતપૂર્વ ધારાશાસ્ત્રીની વહુ શાલિની યાદવને મેદાનમાં ઉતાર્યા છે.
કૉંગ્રેસે જણાવ્યું હતું કે પક્ષને બાકીના મતદાનના ચાર તબક્કા માટે `જીતી શકાય એવી બેઠકો' પર પ્રચાર કરવા પ્રિયંકાની જરૂર છે. વારાણસીમાં એક જ બેઠક પર અટકાઈ જવાને બદલે અન્ય બેઠકો પર વિજયની શક્યતા તલાશવી જોઈએ. કૉંગ્રેસને સારી સંખ્યામાં બેઠકો જીતવાનો વિશ્વાસ છે એટલે અન્ય બેઠકો પર પ્રિયંકા જોરદાર પ્રચાર કરે એ જરૂરી છે. જેથી કૉંગ્રેસપ્રમુખ દેશમાં અન્ય બેઠકો પર પ્રચાર કરી શકે.
વારાણસીમાં છેલ્લા તબક્કામાં 19 મેના મતદાન છે. 23 મેનાં પરિણામો જાહેર થશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer