ઘાટકોપરના દેરાસરમાં ચોરી

ઘાટકોપરના દેરાસરમાં ચોરી
પૂજાનાં વત્રોમાં આવેલો ચોર ભગવાનનો 
 
મુગટ ઉઠાવી ગયો : સીસીટીવી ફૂટેજમાં આરોપી ઝડપાઈ ગયો
 
મંદિરમાં ભગવાન પણ અસલામત
મણિલાલ ગાલા તરફથી
મુંબઈ, તા. 25 : ઘાટકોપર પશ્ચિમના શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના નવરોજી ક્રોસ લેનના વિખ્યાત શ્રી મુનિસુવ્રત સ્વામીના દેરાસરમાં બુધવારે સવારે સુમારે 10.30 વાગે મૂળનાયકનો ચાંદીનો મુગટ ચોરાઈ જતાં અહીંના જૈન શ્રાવક - શ્રાવિકાઓ ચોંકી ઊઠયાં હતાં. જોકે, સીસીટીવ કેમેરાના ફૂટેજમાં આરોપીની હલનચલન ઝડપાઈ ગઈ હોવાથી તેને વહેલીતકે ઝડપી લેવામાં આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંઘના કારોબારી સભ્ય ભાવેશ ગિરીશચંદ્ર દોશીએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી પૂજાનાં વત્રોમાં આવી ભગવાનની પૂજા કરતી વેળા ચાંદીનો બે કિલોગ્રામ જેટલા વજનનો મુગટ હળવેકથી સેરવી લીધો હતો. આ મુગટની કિંમત લગભગ એંસી હજારથી એક લાખ રૂપિયાની ગણાવાઈ રહી છે.
આરોપી પૂજાનાં કપડાંમાં દેરાસરનાં પગથિયાં ચડી ચાંદલો કર્યો હતો. કેસર અને ફૂલ લીધાં હતાં અને ગભારામાં પ્રવેશ કર્યો હતો. મૂળનાયક મુનિસુવ્રતસ્વામી ભગવાનની પૂજા કરી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ પાસેના દરવાજામાંથી બહાર જઈને એક કપડું લાવ્યો હતો. ભગવાનના મુગટને એ સફેદ અંગ લૂછણાં જેવા કપડામાં વિંટાળીને બહાર લઈ ગયા બાદ એક થેલીમાં નાખી દીધો હતો અને નવરોજી લેન મેઈન રોડ પરથી મહાત્મા ગાંધી રોડ તરફ જતો રહ્યો હતો. એમ દોશીએ જણાવ્યું હતું. સવારે લગભગ 10.50 વાગ્યે દેરાસરના પૂજારીને ધ્યાનમાં આવતાં જ તેમણે તરત દેરાસરની પેઢીમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સંઘના પ્રમુખ કીર્તિભાઈ શાહ, ઉપપ્રમુખ કેકીનભાઈ શાહ, અન્ય ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો તરત દેરાસરમાં પહોંચ્યા હતા અને સીસીટીવીના ફૂટેજ વિગતવાર તપાસતાં પૂજાનાં કપડાંમાં આવેલા શખસ દ્વારા મુગટ ચોરી થઈ રહ્યાનું જણાયું હતું. તેમણે તરત ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer