ગુજરાતમાં કાળઝાળ ગરમી 17 વર્ષનો રેકર્ડ તોડશે

ગુજરાતમાં કાળઝાળ ગરમી 17 વર્ષનો રેકર્ડ તોડશે
શનિવાર-રવિવાર માટે અપાયું રેડ એલર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.25:ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા હવામાન ખાતાએ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો 43 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે એવી ચેતવણી આપી છે. હવામાન ખાતાએ હાલ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે પરંતુ શનિવાર-રવિવારે રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. શનિવાર-રવિવારે  ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઇ રહી છે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં આ અગાઉ 2002માં ગરમીનો પારો 45 ડિગ્રીએ આંબી ગયો હતો એટલે કે આ વખતે એપ્રિલની ગરમી 17 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે. 
મહત્વનું છે કે, આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાના કોઇ અણસાર નથી. ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂકાવાની સાથે સાથે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ ંછે. આ વાવાઝોડું ગુજરાત ઉપર આવતા પવનમાંથી ભેજ ખેંચી લેશે જેના કારણે સુકા અને ગરમ પવનો ફૂંકાશે. 
હવામાન ખાતાના ડાયરેકટર ડો.જયંત સરકારે જણાવ્યું હતુ ંકે, તા.26 થી 28 એપ્રિલ સુધી  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની  રહેશે. આ ત્રણ દિવસ ગુજરાતમાં અગન વર્ષા થવાની શક્યતાઓ છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, કચ્છ, રાજકોટ મહાનગરો સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ પણ તેમણે આપી છે. 
દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા હિટેક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને તાપમાન પ્રમાણે કલર કોડ આપવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે હિટવેવને લઇને તકેદારી રાખવાની સૂચના આપી છે. વધુ સમય તડકામાં ન રહી સુતરાઉ કપડા પહેચવા, વધુ પ્રમાણમાં છાસ અને પાણી પીવું. વધારે પડતો પરસેવો થાય, અશક્તિ લાગે, ચક્કર આવે કે પછી ચામડી લાલ, ગરમ કે સુકી થાય તો તબીબની સલાહ લેવી.
આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક એડવાઇઝરી જાહેર કરી છે.  જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાત્રીના 11 વાગ્યા સુધી હવે બાગ બગીચાઓ ખુલ્લા રહેશે. એસટી ડેપો પર પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બીઆરટેસ સ્ટેન્ડ પર ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવશે. નોંધનીય છે કે, ગઇકાલે 102 લોકોને ગરમીની અસર થઇ હતી જેમાં 24 લોકો બેભાન થઇ ગયા હતા. 
હવામાન ખાતાની ઓરેન્જ અને રેડ એલર્ટની આગાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી તા. 5મી મે સુધી ધોરણ 1 થી 8 સુધીનો સમય સવારે 7 થી 11 કરવામાં આવ્યો છે ત્યારે બાળકોને 10-30 કલાકે મધ્યાહન ભોજન આપવાનું રહેશે. કોર્પોરેશનની 382 શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer