સીજેઆઈ સામે ષડયંત્રના આક્ષેપોની તપાસ કરશે સુપ્રીંમના નિવૃત્ત જજ પટનાઈક

સીજેઆઈ સામે ષડયંત્રના આક્ષેપોની તપાસ કરશે સુપ્રીંમના નિવૃત્ત જજ પટનાઈક
દેશના ધનિકો-શક્તિશાળીઓને કહેવાનો સમય આવી ગયો છે કે કોર્ટ તમે નથી ચલાવતા ખાસ બેન્ચના જજ અરુણ મિશ્રા થયા ધૂંઆપૂંઆ 

નવી દિલ્હી, તા.25:  દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) રંજન ગોગોઈને જાતીય સતામણીના આરોપોમાં ભીડવવા ષડયંત્ર રચાયાના દિલ્હી સ્થિત ધારાશાત્રીએ કરેલા આક્ષેપોની તપાસ કરવાનું સર્વોચ્ચ અદાલતે તેના નિવૃત્ત જજ જસ્ટિસ એકે પટનાઈકને અનુરોધ કર્યો છે. તેમણે તેમનો તપાસ રિપોર્ટ અદાલતને સીલબંધ કવરમાં આપવાનો રહેશે. ન્યા. અરુણ મિશ્રા, આરએફ નરીમાન અને દીપક ગુપ્તાની બનેલી ખાસ બેન્ચે આ તપાસમાં જ્યાં પણ જરૂર પડે સહકાર આપવા સીબીઆઈના ડિરેકટર, આઈબીના ડિરેકટર અને દિલ્હીના પોલીસ કમિશનરને તાકીદ કરી છે.
અદાલતે સ્પષ્ટતા કરી છે કે ન્યા. પટનાઈક,  સીજેઆઈ સામે પૂર્વ જુનિયર કોર્ટ આસિસ્ટન્ટે કરેલા જાતીય સતામણીના આક્ષેપોની તપાસ નહીં કરે. સીજેઆઈ સામેના તે આક્ષેપોની તપાસ 3 વર્તમાન જજીસની બનેલી ઈન-હાઉસ તપાસ સમિતિ કરશે.
એડવોકેટ ઉત્સવ બેઈન્સે દાવો કર્યો છે કે જાતીય સતામણીના જૂઠા કેસમાં સીજેઆઈને ભીડવવા ફિક્ષરો અને અદાલતના હતાશ કર્મચારીઓનું કાવતરું રહેલું છે. 
સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું કે ન્યાય આપવાના માર્ગને પ્રભાવિત કરવાના સિસ્ટોમેટિક પ્રયાસ થયા છે અને દેશના ધનિક તથા શક્તિશાળી લોકોને એમ કહી દેવાનો સમય આાવી ગયો છે કે તમે કંઈ આ કોર્ટ ચલાવતા નથી. અદાલતની ખાસ બેન્ચના વડા ન્યા. અરુણ મિશ્રાએ અરુણ મિશ્રાએ જણાવ્યું હતું કે છેલ્લા 3-4 વર્ષથી ન્યાયતંત્ર સાથે થતા વ્યવહારથી અદાલત આક્રોશિત છે. જે ઢબે વ્યવહાર થઈ રહ્યો છે તે જોતાં અમારે કહેવું જ રહ્યું કે આવું જ બનતું રહેશે તો અમે ટકી શકીશું નહીં. એવું ન વિચારશો કે દુનિયાના કોઈ પણ છેડેથી સર્વોચ્ચ અદાલત પર રીમોટ વડે સંચાલન કરી શકાશે, પછી તે રાજકીય તાકાત  હોય કે આર્થિક તાકાત એમ ન્યા. મિશ્રાએ ધૂંઆપૂંઆ થતાં જણાવી ઉમેર્યું હતું કે એક પદ્ધતિસરનો ખેલ રમાઈ રહ્યો છે..અનેક બાબતો બહાર આવી નથી...આ દેશના લોકોએ સત્ય જાણવું જ રહેશે.
ફરિયાદી મહિલાના વાંધા બાદ હઠી જતા જસ્ટીસ
દરમિયાન દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) રંજન ગોગોઈ સામેના જાતીય સતામણીના આક્ષેપો ચકાસવા રચાયેલી 3 સભ્યોની ઈન-હાઉસ પેનલ પૈકીના એક જસ્ટીસ એનવી રામન આ કેસની સુનાવણીમાંથી જાતે હટી ગયા છે. સીજેઆઈ સામે આક્ષેપો કરનાર સર્વોચ્ચ અદાલતની પૂર્વ મહિલા કર્મચારીએ પેનલને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે `સીજેઆઈના નિવાસની કચેરીએ મારું પોસ્ટીંગ થયું હોઈ હું જાણતી હતી કે જસ્ટીસ રમન સીજેઆઈના ગોગોઈના નિકટના મિત્ર અને કુટુંબીજન સમા હોઈ તેમના નિવાસના નિયમિત મુલાકાતી રહ્યા છે તેથી, મારા સોગંદનામા અને પુરાવાઓને હેતુલક્ષી અને ન્યાયી સુનાવણી નહીં મળવા મને ભીતિ છે.' 
તેમ જ પોતે કરેલા આક્ષેપો ચકાસવા પેનલમાં સર્વોચ્ચ અદાલતના એક માત્ર મહિલા જજ ઈન્દિરા બેનરજીની મોજુદગી સામે પણ ઉકત મહિલાએ સવાલ ઉઠાવી જણાવ્યુ છે કે તે વિશાખા માર્ગદર્શિકાની વિરુદ્ધ છે.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer