પુરુષાર્થ બાદ હવે પરિણામના પાંચ વર્ષ મોદી

પુરુષાર્થ બાદ હવે પરિણામના પાંચ વર્ષ મોદી
વડા પ્રધાને વારાણસીમાં ભવ્ય રોડ શો બાદ ગંગા આરતી કરી

પ્રમોદ મુઝુમદાર તરફથી
વારાણસી, તા. 25 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૅલીને સંબોધતાં કહ્યું હતું કે અથાગ પુરુષાર્થ કર્યા બાદ હવે પછીનાં પાંચ વર્ષ પરિણામનાં છે. હું આવતી કાલે ઉમેદવારીપત્ર ભરીશ અને ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ વારાણસી પાછો આવીશ. હું વારાણસીના લોકોનો કૃતજ્ઞ છું. તેમણે કહ્યું હતું કે અનેક વિકાસ પ્રકલ્પો ભારત અને વારાણસીમાં સાકાર કર્યા છે. રોડ, હાઇવે અને રેલવે નેટવર્કમાં સુધારો થતાં વારાણસીના લોકોને ફાયદો થયો છે. જોકે, હજુ ઘણું કરવાનું બાકી છે. આ ચોકીદાર ભારતને નવી ઊંચાઇએ લઈ જવા કટિબદ્ધ છે.
ગંગાને સાફ કરવા અંગે કહ્યું હતું કે અમે ગંગા શુદ્ધીકરણમાં પ્રગતિ કરી છે. ગંગામાં ગંદું પાણી અને કચરો ઠાલવતાં સેંકડો નાળાંઓ બંધ કર્યા છે.
મોદીએ આતંકવાદ વિશે બોલતાં કહ્યું હતું કે આપણે આતંકવાદના ભયને ઓછો ગણવો ન જોઇએ. આમ કરવાથી દેશ સાથે અન્યાય થશે. પુલવામા હુમલાને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આતંકવાદ જમ્મુ અને કાશ્મીરના મર્યાદિત ભાગમાં જ પાંગરી રહ્યો છે અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પાડવામાં સફળ થયા છીએ.
વારાણસી બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં હજ્જારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડયા હતા. આ રોડ શોમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. રોડ શો શરૂ કરતા પહેલા મોદીએ બીએચયુના સંસ્થાપક મદન મોહન માલવીયાની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. ત્યાર બાદ 6 કિલોમીટર લાંબા રોડ શોની શરૂઆત કરી હતી. જે શહેરના લંકા વિસ્તારથી મુદૌલિયા થઈને દશાશ્વમેઘ ઘાટ સુધી ચાલી હતી. ત્યાર બાદ દશાશ્વમેઘ ઘાટે મોદીને ગંગા આરતી કરી હતી. 
વડાપ્રધાન મોદીના રોડ શોને જોવા માટે વારાણસીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા જેનું મોદીએ અભિવાદન ઝિલ્યું હતું. ભવ્ય રોડ શો બાદ મોદીએ દશાશ્વમેઘ ઘાટે ગંગા આરતી કરી હતી અને રાત્રીના વારાણસીની હોટલ ડી પેરિસમાં વારાણસીના જાણીતા ચહેરાઓ સાથે વાતચીત કરી હતી.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer