અભિજિત મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે વડા પ્રધાન મોદી

વારાણસી, તા. 26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે કાર્યસિદ્ધિ માટે સૌથી પ્રભાવી એવા શુભ અભિજિત મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. તેઓ કાશીના કોટવાલ કહેવાતા બાબા કાલ ભૈરવના દર્શન પણ કરશે.
બનારસી પંડિતો પર ભરોસો મૂકી તેમણે 26 એપ્રિલનો દિવસ નક્કી કર્યે અને કલેકટરેટના રાયફલ ક્લબસ્થિત નામાંકન સ્થળ પર જિલ્લા નિર્વાચન અધિકારી સુરેન્દ્ર સિંહ સમક્ષ પ્રસ્તાવકોની મોજૂદગીમાં નામાંકન પત્ર સોંપવાનો મોદીએ નિર્ણય લીધો છે.
તેઓ શુક્રવારે સવારે બૂથ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી ચૂંટણીને લગતી રણનીતિ ઘડી કાઢી છે. ત્યાર બાદ કાશીના કોટવાલ બાબા કાળભૈરવના દર્શન - પૂજન કરી બહાર નીકળશે. મંદિરમાં 10 મિનિટ રહી દર્શન બાદ તેઓ કપૂર આરતી કરશે. બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમ (બીએચયુ)ના જ્યોતિષ વિભાગાધ્યક્ષ પ્રોફેસર વિજયકુમાર પાંડેના જણાવવા મુજબ શુક્રવારે સાધ્ય યોગ વચ્ચે અભિજિત મુહૂર્ત સવારે 11.36થી બપોરે 12.24 વચ્ચે છે. તેની વિશિષ્ટતા એ પણ છે કે કોઈ પણ વિશેષ યોગ વિના સુધ્ધાં આ મુહૂર્તમાં કરેલું કામ ફળદાયી નીવડે છે. સાધ્ય યોગે નામાંકન દિવસને વધુ શુભકારી બનાવ્યો છે.
જ્યોતિષી વિમલ જૈનનું કહેવું છે કે કાશીમાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં દંડના અધિકારી અને કલ્યાણકારી બાબા કાળભૈરવના દર્શનથી તમામ મનોકામના પૂરી થાય છે તે જ પ્રમાણે દરેક કષ્ટ-દોષ દૂર થાય છે.
વડા પ્રધાન મોદીના નામાંકનમાં પ્રસ્તાવકના રૂપમાં ડોમરાજાથી લઈને ચોકીદારને સામેલ કરાયા છે. જનસંઘ સાથે જોડાયેલા પૂર્વ મેયર અમરનાથ યાદવ તેમ જ વિશ્વના સૌથી બુઝુર્ગ 123 વર્ષના સ્વામી શિવાનંદનું નામ પણ તેમાં સામેલ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer