BKC : મોદીની સભા માટે ભારે બંદોબસ્ત

BKC  : મોદીની સભા માટે ભારે બંદોબસ્ત
મુંબઈ, તા. 26 : આગામી સોમવાર, 29 એપ્રિલે શહેરમાં છ લોકસભાની બેઠકો માટેની ચૂંટણી યોજાય તે પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે સંયુક્ત રૅલીને સંબોધન કરશે. રૅલી બાંદરા-કુર્લા કોમ્પલેક્ષના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં યોજાશે. રૅલીમાં માનવમેદની ઊમટવાની આશા છે. પોલીસે આ નિમિત્તે ભારે બંદોબસ્ત રાખ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડા પ્રધાન યુવાનો અને ખાસ કરી પહેલી વખત મતદાન કરનારાઓનાં હૃદયના તારોને ઝંકૃત કરશે અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પરના પોતાના આકરા પ્રહારો ચાલુ રાખશે, જેમણે મહારાષ્ટ્રની પોતાની તમામ રૅલીમાં મોદીને ટાર્ગેટ કર્યા છે. મોદીએ અગાઉની પોતાની રૅલીઓમાં જણાવ્યું હતું કે પવાર ઝડપથી પોતાના પક્ષ એનસીપી પરનું નિયંત્રણ ગુમાવી રહ્યા છે અને હારની આશંકાથી ચૂંટણી લડવાનું તેમણે ટાળ્યું છે.
મુંબઈમાં પાંચ વર્ષના ગાળા બાદ મોદી અને ઉદ્ધવ દ્વારા સંબોધન કરાનારી આ સર્વપ્રથમ સંયુક્ત રૅલી હશે. છેલ્લે આવી રૅલીનું આયોજન ગત લોકસભા ચૂંટણીઓ વખતે આ જ સ્થળે એપ્રિલ, 2014માં કરવામાં આવ્યું હતું. મોદી અને ઉદ્ધવે 2016માં અરબી સમુદ્રમાં બંધાનારા શિવાજીના સ્મારક સ્થળે પૂજા કરી હતી. ભાજપ અને શિવસેના બંને આજની રૅલીમાં મોટી સંખ્યામાં લોકો આવે તે માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. મોદી અને ઉદ્ધવ ઉપરાંત રૅલીને અન્ય બે વક્તા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ આરપીઆઈના નેતા રામદાસ આઠવલે પણ સંબોધન કરવાના છે.
રૅલીના સ્થળે (બીકેસી) ટ્રાફિક પોલીસે નિયંત્રણો જારી કર્યાં છે. એમએમઆરડીએ ગ્રાઉન્ડ આસપાસના રોડ પર બંને તરફ ઇમર્જન્સી વાહનો સિવાય કોઈ પણ વાહનોનો પ્રવેશ નિષેધ કરાયો છે. આ નિયંત્રણો શુક્રવાર મધરાત પર્યંત ચાલુ રહેશે. ભાજપના એક નેતાના જણાવ્યા પ્રમાણે પીએમની રૅલીમાં લાખો લોકોની ભીડ એકઠી થશે. તેમણે કહ્યું કે રૅલીમાં ભાગ લેવા ટ્રેન, બસ અને ખાનગી વાહનો દ્વારા લોકો મુંબઈ પહોંચશે. સ્ટેશનોથી બીકેસી મેદાનમાં લઈ જવા માટે કુર્લા અને બાંદરા સ્ટેશને વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દૂરથી આવેલા કાર્યકર્તાઓની ખાવાની અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યકર્તાઓની સંભાળ લેવાની જવાબદારી પક્ષના નેતાઓને સોંપવામાં આવી છે.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer