પ્રમુખ ટ્રમ્પ અને શી જિનપિંગ આવતા મહિને ઓસાકામાં મળશે

પ્રમુખ ટ્રમ્પ અને શી જિનપિંગ આવતા મહિને ઓસાકામાં મળશે
ચીન-અમેરિકા વેપાર સંઘર્ષમાં સમાધાનની આશા

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : જૂન ઉત્તરાર્ધમાં જપાનમાં મળનારી જી20 સમિટમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રમુખ શી જિનપિંગને ઓસાકામાં મળશે. આ બેઠક ફળદાયી નીવડશે, એમ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ભોજન સમારંભમાં જણાવ્યું હતું. અમેરિકા-ચીન વચ્ચેના વેપારયુદ્ધના કારણે વૈશ્વિક બજારો હચમચી ગઈ છે. 200 અબજ ડૉલરની ચીનની આયાત પર અમેરિકાએ લેવી વધાર્યા બાદ ચીને અમેરિકાની ફ્રોઝન વેજિટેબલ, લીક્વીફાઇડ નેચરલ ગૅસ સહિતની આઇટમો પર ડયૂટી વધારી દીધી છે.
ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયાના પ્રવાસ દરમિયાન ચીન-યુએસ વાટાઘાટો એ `વન-વે સ્ટ્રીટ' નથી. આવી વાટાઘાટો સમાનતાના ધોરણે યોજાવી જોઈએ.
યુએસ ડયૂટીના નવા તબક્કામાં 3805 પ્રોડક્ટ કેટેગરી આવરી લેવામાં આવી છે પણ તેનો સમયગાળો અગાઉના રાઉન્ડથી ટૂંકો છે. આથી ટ્રમ્પ અને શી વચ્ચે વાટાઘાટો મહિના બાદ યોજાશે, ત્યાં સુધીમાં ટ્રમ્પ એનો અમલ શરૂ કરી દેશે એવી શક્યતા છે.
વેપારયુદ્ધથી સૌથી વધુ યુએસના ખેડૂતોને નુકસાન થયું છે. ચીન ખાતેનું સોયાબીન વેચાણ ઘટયું છે અને યુએસ સોયાબીન વાયદો દાયકાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. આવા અસરગ્રસ્ત ખેડૂતોને 15 અબજ ડૉલરની સહાય પૂરી પાડવાનું ટ્રમ્પ વહીવટી તંત્ર વિચારી રહ્યું છે. ચીન હવે 60 અબજ ડૉલરના ટારગેટ લિસ્ટમાંની 5140 અમેરિકન આઇટમો પર 5થી 25 ટકા જેટલી આયાતજકાત લાદનાર છે. આ ટેરિફ તા. 1 જૂનથી અમલી બનશે.
આ અગાઉ ટ્રમ્પે 200 અબજ ડૉલરની ચાઇનીઝ ચીજો પરની આયાતજકાત 10 ટકાથી વધારી 25 ટકા કરી હતી. આમાં ચાઇનીઝ ઉત્પાદનોની 5700 કેટેગરીને આવરી લેવાઈ હતી. આમાં ઇન્ટરનેટ મોડમ્સ અને હાઉટર્સને આવરી લેવાયા છે.
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer