આરટીઈ હેઠળ બોગસ પ્રવેશ ડામવા સુરતમાં શાળા સંચાલક મંડળ સક્રિય

વાલીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાવાશે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 : નબળા અને વંચિત વર્ગનાં બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણ મળી રહે તે માટે અમલમાં મૂકવામાં આવેલા રાઇટ ટુ એજ્યુકેશન ઍકટનો દુરુપયોગ થઇ રહ્યો હોવાની ઊઠેલી ફરિયાદને પગલે સુરત શાળા સંચાલક મંડળ દ્વારા બોગસ કહી શકાય એવા પ્રવેશોની શોધખોળ શરૂ કરાઈ છે. જે વાલીઓએ ખોટા ડોકયુમેન્ટ જમા કરાવી પ્રવેશો મેળવ્યા હશે તેમની સામે ફોજદારી કેસ નોંધાવવા માટે પણ સંચાલકો આગળ વધશે. 
સુરત શહેરમાંથી 19,710 વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવામાં આવી છે. જે પૈકી પ્રથમ તબકકામાં 11,330 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. જોકે, આ સ્થિતિ વચ્ચે શહેરની મોટા ભાગની શાળાઓમાં સરેરાશ પ્રથમ ધોરણમાં વર્ગની સંખ્યાના 25 ટકા જેટલા વિદ્યાર્થીઓ ફાળવવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના વાલીઓએ ખોટા ડોકયુમેન્ટ ઊભા કરીને પ્રવેશ મેળવ્યા હોવાની શંકા સાથે સંચાલકો દ્વારા શિક્ષકોને વાલીઓનાં ઘરે મોકલી લાઇટ બિલ, બૅન્ક પાસબુક, વેરા બિલ, ભાડાકરાર તેમ જ ઘરની સાધન સામગ્રીની તપાસ કરાવી રહ્યા છે.
પ્રાથમિક તબકકે જ કેટલાક વાલીઓ ફોર વ્હીલર અને ઘરમાં સરેરાશ પાંચ હજાર સુધીનું લાઇટબિલ ભરતા હોવા ઉપરાંત મહિનાની 20 હજાર કરતાં વધુ આવક હોવા છતાં વર્ષે દોઢ લાખની આવકનાં આધારે તૈયાર કરવામાં આવેલા  આવકના દાખલા રજૂ કર્યા હતા. જેથી રજૂ કરેલા ડોકયુમેન્ટ અને વાસ્તવિકતામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા હોવાથી સંચાલકો દ્વારા બોગસ કહી શકાય તેવા વાલીઓને પ્રવેશ ફાળવવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. આ મુદ્દે સુરત શાળા સંચાલક મંડળ દ્વારા સુરત જિલ્લા શિક્ષણાધિકારીની સાથે બેઠક કરી શંકાસ્પદ કહી શકાય તેવાં  બાળકોને પ્રવેશ નકારવાની રજૂઆત કરાઈ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer