મોદીએ વડા પ્રધાનપદની ગરિમાને નીચે લાવી દીધી છે : સૂરજેવાલા

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, `હકીકત એ છે કે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદની ગરિમાને નીચે લાવી દીધી છે' તેમણે તેમના રાજકીય વિરોધીઓ અને ખાસ કરીને કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને તેમના પરિવાર વિષે બદલાની ભાવનાથી હલકી ભાષાનો ઉપયોગ કર્યો છે. દર બીજા દિવસે જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધીનું અપમાન કરવા બદલ અને તેમના વિશે અભદ્ર ભાષા વાપરવા બદલ કૉંગ્રેસ મોદી પાસેથી જવાબ માગે છે.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષેની ટિપ્પણી બદલ ભાજપ કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર આકરા પ્રહારો કર્યા હતા.
`તમામ લોકોનું ધ્યાન સેમ પિત્રોડા તરફ ગયું તેનાથી અસ્વસ્થ થઈ ગયેલા મણિશંકર ઐયરે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા વડા પ્રધાન માટે `નીચ' શબ્દને વ્યાજબી ગણાવ્યો છે' એમ ભાજપના નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.
સંબિત પાત્રાએ પણ `ગાંધી પરિવારના ઝવેરાત' પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મોદીજી પરની પોતાની `નીચ' ટિપ્પણીને વ્યાજબી ઠરાવીને `ગાંધી પરિવારના ઝવેરાતે' (જ્વેલ અૉફ ગાંધી ફેમિલી) લોકસભાની 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીના `પ્રેમના રાજકારણ'માં પોતાનો ફાળો આપ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને `નીચ આદમી' કહેતી પોતાની અગાઉની ટિપ્પણીને કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરે મંગળવારે વ્યાજબી ઠરાવી હતી.
કૉંગ્રેસના આ નેતાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષે તેમણે જે અગાઉ ટિપ્પણી કરી હતી તેને તેઓ વળગી રહે છે અને વધુમાં ઉમેર્યું હતું કે 23 મેના મતદારો મોદીને બહારનો દરવાજો દેખાડી દેશે.
ઐયરે `ગંદા ચૂંટણીપ્રચાર' માટે વડા પ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. મોદીને એવી ચેતવણી આપવાની જરૂર છે કે તેઓ લશ્કર અને સીઆરપીએફના શહીદ જવાનોના બલિદાનોનાં નામે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે' એમ ઐયરે એક અંગ્રેજી વેબસાઇટના લેખમાં લખ્યું હતું.
Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer