મીરા રોડના બિઝનેસમૅનનું અપહરણ કરીને તેની હત્યા કરી

જંગલમાં તેનો મૃતદેહ બાળી નાખ્યો, ત્રણ આરોપીની ધરપકડ 

મુંબઈ, તા. 14  : મીરા રોડના વેપારીનું અપહરણ કરીને તેની હત્યા કર્યા બાદ મૃતદેહને બાળવાના આરોપમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે અને એક મહિલા પર પણ શંકા હોવાનું પોલીસે જણાવ્યું છે. ધંધાકીય દુશ્મનાવટને કારણે હત્યા થઈ હોવાનું મનાય છે. 
સૂત્રોએ આપેલી માહિતી મુજબ, મૃતક વેપારી આરીફ શેખ મીરા રોડનો રહેવાસી હતો અને પાલઘરમાં મશીનના સ્પેરપાર્ટ વેચવાની તેની ફેક્ટરી હતી. ગત ગુરુવારે જ્યારે આરીફ રિક્ષામાં ફેક્ટરી જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખસોએ તેનું અપહરણ કર્યું હતું. વાહનમાં જ તેની હત્યા કરાઈ હતી અને પછી દહાણુના જંગલમાં લઈ જઈને મૃતદેહ પર પેટ્રોલ છાંટીને તેને બાળી નાખ્યો હતો. 
પોલીસે સોમવારે વેપારી પ્રશાંત સંખે, તેના પિતરાઈ સામદેવ સંખે અને તેના કામદાર પ્રશાંત મહાજનની ધરપકડ કરી હતી. સંખે ભાઈઓની ગુજરાતના વાપીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મહાજનની તેના વતન જળગાંવમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે જે મહિલા પર શંકા છે તે મહિલા એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી અને આ જ કંપનીમાં આરીફ મશીનના પાર્ટ્સ આપતો હતો. આ મહિલાને પૈસાની ઉચાપત બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. મહિલાને એવી શંકા હતી કે મારી ફરિયાદ આરીફ શેખે મારા માલિકને કરી હતી.
પોલીસને હજી અરીફનો મૃતદેહ મળ્યો નથી. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની ધારા 302, 363, અને 201 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આરીફના મૃતદેહની તપાસ ચાલી રહી છે.
Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer