પ્રતિષ્ઠિત બ્રીચ કૅન્ડી ક્લબ આર્થિક સંકટમાં

મેમ્બર્સને ગૅસ્ટ સાથે લાવીને આવક વધારવાની ટ્રસ્ટની અપીલ

મુંબઈ, તા.14 : દક્ષિણ મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત ક્લબોમાંની એક બ્રીચ કૅન્ડી સ્વિમિંગ બાથ ટ્રસ્ટ છેલ્લાં પાંચ વર્ષથી નવી મેમ્બરશીપના અભાવે આર્થિક સંકટમાં ફસાઇ છે. હાલત એટલી કંગાળ છે કે ક્લબના રોજના ખર્ચ કે કર્મચારીઓને પગાર આપવાના પૈસા પણ ટ્રસ્ટ પાસે નથી. 
સંચાલક મંડળે સભ્યોને અપીલ કરી છે કે ગૅસ્ટ સાથે મોટી સંખ્યામાં નિયમિતપણે ક્લબમાં આવો. ક્લબના ટ્રસ્ટીઓ વિક્રમ મલિક અને મેરિયમ પંજવાણીએ મેમ્બર્સને પાઠવેલા ઇમેલમાં જણાવ્યું હતું કે તમે જાણો છો કે ટ્રસ્ટ હાલમાં નાણાકીય તંગી અનુભવે છે અને ક્લબનું સંચાલન કરવું પણ મુશ્કેલ છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી ક્લબની સગવડોની જાળવણી અને કર્મચારીઓને પગાર તેમ જ નિયમિત સામગ્રી પૂરી પાડતા કોન્ટ્રેક્ટરોને આપવાના પૈસા પણ તૂટે છે. સભ્યોને અપીલ છે કે નિયમિતપણે ક્લબમાં આવો, સાથે ગૅસ્ટને પણ લાવો અને ક્લબની વિવિધ સુવિધાઓનો ઉપયોગ કરો તેમ જ પ્રવૃત્તિઓમાં ભાગ લો. આના કારણે ક્લબને આવક ઊભી થશે તો આપણી પ્રતિષ્ઠિત ક્લબ જળવાઇ રહેશે અને તેનો વધુ વિકાસ થશે.
મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત ક્લબોમાં સ્થાન ધરાવતી બ્રીચ કૅન્ડી ક્લબ અંગ્રેજોના વખતમાં વર્ષ 1878થી કાર્યરત છ,ઁ પરંતુ કેટલાય વર્ષો સુધી એના દરવાજા માત્ર યુરોપિયનો માટે જ ખૂલ્લાં હતા. આજે પણ આ ક્લબના ચાર હજાર જેટલા મેમ્બરોમાંથી 400થી વધુ યુરોપિયનો છે. દસથી બાર વર્ષની મેમ્બરશીપ માટે હાલમાં કરોડો રૂપિયાની ફી છે.
દેશની સ્વતંત્રતા બાદ વર્ષ 1960થી આ ક્લબમાં ભારતીયોને મેમ્બર બનાવવાની શરૂઆત થઇ હતી, પરંતુ વર્ષો સુધી ટ્રસ્ટી માત્ર યુરોપિયનો જ બની શકતા હતા. આ ભવ્ય ક્લબમાં દેશનો સૌથી મોટો સ્વિમિંગ પૂલ છે અને ત્રણ રેસ્ટોરાં ઉપરાંત આધુનિક જિમ, એક વાંચન ખંડ, ત્રણ આઉટડોર ટેનિસ કોર્ટ, બાસ્કેટ બૉલ અને વૉલિબૉલ કોર્ટ પણ ધરાવે છે. 
ક્લબના સિનિયર મેમ્બર ડેનિયલ કૅરોલના જણાવ્યા પ્રમાણે વર્ષ 2014માં નવા સંચાલકોએ ક્લબનો વહિવટ સંભાળ્યો છે. વર્ષોથી બધું આડેધડ ચાલી રહ્યું છે. છેલ્લાં પાંચ વર્ષથી ક્લબના કોઇ નવાં મેમ્બર્સ બન્યા જ નથી. વર્ષ 2014માં ક્લબના સભ્યોની સામાન્ય સભા મળી હતી અને અસામાન્ય સંજોગો વચ્ચે જૂના સંચાલકો (ટ્રસ્ટ)ની જગ્યાએ નવી ટીમ ચૂંટાઇ હતી. દીપેશ મહેતાની આગેવાની હેઠળ જૂની સંચાલક મંડળીએ પોતાની બરખાસ્તીને કોર્ટમાં પડકારી હતી અને આ સંબંધી તમામ કાનૂની ખર્ચ ક્લબની તિજોરીમાંથી કરાયો હતો. આ ઉપરાંત ક્લબને સૌથી વધુ આવક તો મેમ્બરશીપ ફીની હતી અને જ્યારથી કોર્ટમાં મામલો ચાલે છે ત્યારથી જ નવી મેમ્બરશીપ આપવાનું બંધ કરાયું છે. 
Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer