વિપક્ષોની બેઠક હવે ચૂંટણી પરિણામ પછી જ મળશે

નવીદિલ્હી, તા.14: લોકસભા ચૂંટણીમાં હવે અંતિમ તબક્કાનું મતદાન જ બાકી રહ્યું છે અને 23મી મેનાં રોજ પરિણામો જાહેર થાય તે પહેલા જ વિપક્ષોએ સરકાર રચવાનો અવકાશ ઉભો થવાની આશાએ ટેકાની જોગવાઈ અને મોરચાની મથામણ કરવા માંડી છે. જો કે અત્યારે ચાલતી ભાજપ અને કોંગ્રેસ સીવાયનાં ત્રીજો મોરચા માટેની કવાયત વચ્ચે જાણવા મળે છે કે પરિણામો જાહેર થયા બાદ જ વિપક્ષી નેતાઓની બેઠક દિલ્હીમાં મળશે. દરમિયાન આજે સમવાયી મોરચાના ભાવિની ચર્ચા કરવા તેલંગણના મુખ્ય મંત્રી અને ટીઆરએસના વડા કે. ચંદ્રશેખર રાવ (કેસીઆર) અહીં એમ.કે. સ્તાલિનને મળ્યા બાદ, દ્રમુકના વડાએ ચૂંટણી બાદ બિનભાજપી કે બિનકોંગ્રેસી ત્રીજો મોરચો રચાવાની શકયતા આજે નકારી હતી. જ્યારે રાવે કહ્યું હતું કે, ત્રીજો મોરચો કોંગ્રેસનું સમર્થન લેવા માટે તો તૈયાર છે પણ તે ડ્રાઈવીંગ સીટ ઉપર બેસવાની વાત ન કરે એવી પૂર્વશરત છે.
અગાઉ આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી અને ટીડીપીનાં પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણી પરિણામો પૂર્વે જ વિપક્ષી દળોની બેઠક યોજવાનાં સંકેતો આપ્યા હતાં. જો કે આંકડા હાથવગા ન હોય ત્યાં સુધી આવી બેઠકનો કોઈ અર્થ સરતો નથી તેવો મત પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ દર્શાવ્યા બાદ આવી બેઠકનું આયોજન હાલતુર્ત પડતું મૂકાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. 
આજે બેઠક બાદ જોડાણ કરવા વિશે કેસીઆરએ ચર્ચા કર્યાનું ય સ્તાલિને નકાર્યુ હતું. સમવાયી મોરચા વિશે પૂછાતાં સ્તાલિને જણાવ્યુ હતું કે તે માટે કોઈ ચાન્સ હોવાનું જણાતું નથી. તા. 23મીએ મતગણતરી બાદ જ તે વિશે નિર્ણય થઈ શકશે. કેસીઆર કંઈ જોડાણ રચવાને નહોતા આવ્યા. વિવિધ મંદિરોમાં દર્શનાર્થે આવેલા કેસીઆરએ તે જોડે શિષ્ટાચાર મુલાકાત માટે મારી અપોઈન્ટમેન્ટ મેળવી હતી. બીજીબાજુ અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વગરની વૈકલ્પિક સરકારની વાતો કરતાં રાવે પલટી મારતાં કહ્યું હતું કે જો સરકાર રચવા માટેનાં આંકડા સર્જાય તો ડ્રાઈવીંગ સીટ ઉપર આવવાની માગણી ન કરવાની શરતે ત્રીજો મોરચો કોંગ્રેસનું સમર્થન લેવા તૈયાર છે.
Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer